શહેરનાં ગોડાઉન રોડ પર દેશી અને વિદેશી દારૂનાં જાણે ગોડાઉન!
શહેરનાં ગોડાઉન રોડ પાસે કલ્યાણ સોસાયટી (કાશ્મીરાપરા)માં દેશી અને વિદેશી એમ બેય દારૂનો વેપલો એકસાથે ધમધમી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, અહીં દારૂનો ધંધો માતા લીલાબેન અને દીકરા અલ્પેશે સમજૂતીથી વહેંચી લીધો છે. માતા લીલા સવારથી અહીં આખો દિવસ દેશી દારૂ વેચે છે જ્યારે પુત્ર કલ્પેશનો ધંધો સાંજથી શરૂ થાય છે.
જાણવા મળતી વિગતો મુજબ લીલા અહીં લગભગ બે દાયકાથી પણ વધુ સમયથી દેશી દારૂનો ધંધો કરે છે. તેનો ધંધો સરેઆમ ચાલે છે. સાવ બેરોકટોક. એ ડિવિઝનના પોલીસ સ્ટાફને કે અધિકારીને શું લીલાની આ પાપલીલા દેખાતી નહીં હોય?
અલ્પેશનાં સીનસપાટાં
- Advertisement -

ડિલિવરી આપતો હિરેન

- Advertisement -
લીલા પોતાનાં ઘેર જ બનાવે છે દેશી દારૂ
જાણવા મળતી વિગતો મુજબ ગોડાઉન રોડની લિકર ક્વિન લીલા પોતાનાં ઘેર જ દેશી દારૂ બનાવે છે. સૂત્રો જણાવે છે કે, લીલા પોતાનાં દેશી દારૂમાં ભરપૂર હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરે છે અને તેનાં આ ઝેરને કારણે અનેક લોકોની જિંદગી ખતમ થઈ ગઈ છે અને અગણિત પરિવારો બરબાદ થઈ ચૂક્યાં છે.
લીલાની દેશીલીલા

એ ડિવિઝન પોલીસને કાર્યવાહી કરવા સબૂત જોતાં હોય તો આ રહ્યા પૂરાવા : ‘રજાવાળો’ ધંધો હોવાની ચર્ચા
અલ્પેશની માસી ‘ડેની ડોન’ કરે છે ‘સેટિંગ’
લીલા અને અલ્પેશ તથા હિરેનનાં ધંધો ‘રજાવાળો’ હોય તેવું મનાય છે. ‘રજાવાળો’ ધંધો તેને કહેવાય છે જેનાં હપ્તા પોલીસને પહોંચતા હોય. આ ત્રણેયનો ધંધો જે રીતે ખૂલ્લેઆમ ચાલે છે તે જોતાં આ અફવા સંપૂર્ણપણે સાચી હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. હપ્તા વગેરેનું કામ અલ્પેશની માસી ‘ડેની ડોન’ તરીકે જાણીતી મહિલા કરતી હોવાનું જાણવા મળે છે.
પવલો કોળી દેશી દારૂનો બાર ફરી ચાલું કરવા સક્રિય
થોડા દિવસ પહેલાં ‘ખાસ-ખબર’એ સંત કબીર રોડ પર ચાલતાં દેશી દારૂનાં અડ્ડાની વિગતો તસવીરી પૂરાવા સાથે પ્રકાશિત કરી હતી. તે પછી આ દારૂનાં અડ્ડાનો સંચાલક પવલો કોળી થોડાં દિવસ નિષ્ક્રિય થઈ ગયો હતો. પરંતુ હવે તે ફરી અડ્ડો શરૂ કરવાની વેતરણમાં છે તેવું જાણવા મળી રહ્યું છે.
અલ્પેશ અને હિરેનની ઈંગ્લિશ દારૂનાં વેંચાણની મોડસ ઓપરેન્ડી
ગોડાઉન રોડ પર લીલાનો પુત્ર અલ્પેશ અને જમાઈ હિરેન સાંજનાં સમયે ખુલ્લેઆમ ઈંગ્લિશ દારૂ વેંચે છે. અહીં તમે ઈંગ્લિશ દારૂ લેવા જાઓ અને બોટલ માંગો એટલે અલ્પેશ કે હિરેન પોતાનાં એક્ટિવામાં નજીકનાં ગોડાઉનમાં જાય છે- જ્યાં તેઓ દારૂનો સ્ટોક સંઘરે છે. બે-પાંચ મિનિટમાં જ એ પરત આવીને એક્ટિવાની ડીકીમાંથી બોટલ કાઢીને આપે છે. પોલીસે માત્ર અલ્પેશને કે હિરેનને પકડીને સંતોષ માનવાને બદલે તેમનાં ગોડાઉન પર પણ રેઈડ કરવી જરૂરી છે.
હપ્તા લેવા ગયેલો એ શખ્સ પ્રવિણસિંહ ગોહિલ: પોલીસનાં ઙઈઇમાં ફરજ બજાવે છે
‘ખાસ-ખબર’ દ્વારા થોડાં દિવસો પહેલાં મોટા મવાનાં દેશી દારૂનાં અડ્ડા અંગે અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને એ અડ્ડા પર હાજર શંકાસ્પદ શખ્સ વિશે પણ ફોટોગ્રાફ સહિત લખ્યું હતું. જાણવા મળતી વિગતો પ્રમાણે એ શખ્સ પોલીસ ખાતામાં જ છે અને પી.સી.બી.માં વોરન્ટ બજાવવાનું કામ કરે છે. તેનું નામ પ્રવીણસિંહ અભેસિંહ ગોહિલ છે. સવાલ એ છે કે, દેશી દારૂનાં અડ્ડા પર એ શું કરી રહ્યો હતો? બીજો પ્રશ્ર્ન એ છે કે, આ અડ્ડો જાણે પોતાનો હોય તેવી રીતે એ શા માટે ટહેલી રહ્યો હતો? અને સૌથી આકરો સવાલ એ છે કે, આ અંગેના વિડીયો પુરાવાઓ જાહેર થયા પછી પણ પ્રવીણસિંહ સામે શા પગલાં લેવાયા?

‘ખાસ-ખબર’ની દારૂ વિરૂદ્ધની ઝૂંબેશની વ્યાપક અસર
છેલ્લાં ત્રણ સપ્તાહ દરમિયાન ‘ખાસ-ખબર’એ દેશી દારૂનાં અનેક ધંધાર્થીઓની એક પછી એક પોલ ખોલી છે અને ભવિષ્યમાં પણ અનેક અડ્ડાઓની પોલ ખોલવામાં આવશે.

આમાંના ઘણાં ધંધાર્થીઓ પર પોલીસે રેડ કરીને ગોરખધંધા બંધ કરાવ્યા છે પરંતુ આંચકાજનક બાબત એ છે કે, તેમાંથી ઘણી જગ્યાએ ગોરખધંધા ફરી શરૂ થઈ ગયા છે. લીલાની પાપલીલા અને તેનાં પુત્રની માયાજાળ પોલીસ તત્કાળ સંકેલાવી લેશે તેવી અપેક્ષા અસ્થાને નથી.




