9 મશીન સાથેના અધ્યતન સેન્ટર ખાતે મહિનામાં 500થી વધારે દર્દીઓનું થાય છે ડાયાલિસિસ !
છ મહિનામાં ત્રણ હજારથી વધુ દર્દીઓનું ડાયાલિસિસ કરાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધાઓ સાથે વિનામૂલ્યે ડાયાલિસિસની સારવાર મળી રહે તે હેતુથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2015 થી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જ્યાં દર્દીઓની શ્રેષ્ઠ સારવારની સુવિધા સાથે પૂરતી સાર-સંભાળ રાખવામાં આવે છે. કીડનીના દર્દીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલ આ ડાયાલિસિસ સેન્ટર દર્દીઓ માટે ખરેખર આશીર્વાદરૂપ છે જ્યાં ખાનગી દવાખાના જેવી સુવિધા વિનામૂલ્ય આપવામાં આવી રહી છે અને છેલ્લા છ મહિનામાં ડાયાલિસિસ સેન્ટર ખાતે ત્રણ હજારથી વધુ દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું છે.
મોરબીના ડાયાલિસિસ સેન્ટરના નોડલ ડો. સરડવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કિડનીના દર્દીઓની સારવાર માટે અહીં 2015 થી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. અત્યારે 9 અદ્યતન મશીન સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ડાયાલિસિસ સેન્ટર ખાતે દરરોજના સરેરાશ 22 દર્દીઓ તથા માસિક સરેરાશ 525 દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવે છે. આ ડાયાલિસિસ સેન્ટર ખાતે હાલ 19 એચસીવી પોઝિટિવ તથા 41 એચસીવી નેગેટીવ મળી કુલ 60 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.