મોરબીમાં પેટા ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો દ્વારા સભા ગજાવવાની શરૂઆત કરી છે. આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભા ગજવી હતી. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું. કોંગ્રેસ ડૂબી રહી છે અને જે ડૂબે છે તે હવે પ્રજાને શું તારશે? તેવા સવાલ કર્યા હતા. આ ઉપરાંત કોરોના સામે લડતી વ્યવસ્થા સામે વિપક્ષ સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસ કોરોના સામે લડવાને બદલે ભારતની મનસા સામે જંગ છેડી ખોખલો વિરોધ કરે છે. જો કે આ સભામાં ભાજપ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. જો કે સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની જ માસ્ક વગર જોવા મળ્યાં હતા.

કોંગ્રેસ 70 વર્ષ સુધી ટોયલેટ ન બનાવી શકી તે મહિલાનું ભાગ્ય શું ચમકાવશે?
સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ હતું. ભારતને વિકાસ માટે છે તે કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસ દ્વારા આજ સુધી ક્યારેય ગુજરાતના વિકાસની વ્યવસ્થાની ચર્ચા કરી નથી. જનસેવાના આ મેળામાં કોંગ્રેસની એક પણ વ્યકિત જોવા મળી નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જ્યારે પક્ષની જરૂર હતી. ત્યારે રજા પર ઉતરી જાય છે. દેશના સંસદમાં પણ ગેરહાજર રહ્યા. પ્રધાનમંત્રીએ પદ સાંભળ્યું ત્યારે મહિલાને આત્મ સન્માન આપવા ટોયલેટ બનાવવા અભિયાન છેડયું હતું. કોંગ્રેસ 70 વર્ષ સુધી ટોયલેટ ન બનાવી શકી તે મહિલાનું ભાગ્ય શું ચમકાવશે.

  • સભામાં ભાજપ આગેવાનોના ખિસ્સા કપાયા
    મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં જાહેર રોડ પર યોજાયેલ સ્મૃતિ ઇરાનીની સભામાં ખિસ્સા કાતરું આવી ચઢ્યા હતા અને ભાજપ આગેવાનો અને કાર્યકરોના મળી 5 લોકોના ખિસ્સા કપાયા હતા. ખિસ્સા કાતરુંઓએ મોટી રકમ તફડાવી લીધી હતી.