ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની એ કાળી રાતે મોરબી આખામાં કાળો કલ્પાંત ફેલાયો હતો. બ્રિજ દુર્ઘટનાની માનવસર્જિત આફતે 135 પરિવારોના કંધોતર, તો કોઈના જુવાનજોધ કુળદિપક, તો કોઈના ઘરના મોભી અને કોઈના ઘરની લક્ષ્મીને છીનવી લીધી હતી. જે ઊંડા ઘા માથી આ પરિજનો ક્યારેય બહાર ન આવે તેવી એ કારમી થપાટ હતી. તેવામાં હવે પરિજનો આ દુર્ઘટના ભૂલવાની કોશિશ કરી રહ્યાં છે અને કેટલાક પરિવારો તો હજુએ પણ તહેવારોની ઉજવણી પણ નથી. જો કે, આ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને કોર્ટે રાહત આપી છે. જયસુખને શરતી જામીનમાં રાહત મળી છે.
મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને શરતી જામીનમાં રાહત મળી છે. મોરબી જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતમાંથી મુક્તિ મળી છે. જેના પગલે જયસુખ હવે મોરબી જિલ્લામાં પ્રવેશી શકશે. અગાઉ પણ શરતોને આધીન જામીન આપવામાં આવ્યા હતા. જો કે, કોર્ટમાં જમા પાસપોર્ટ પણ જયસુખ પટેલને પરત નહીં મળે.
અગાઉ મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીને મૃતકના પરિવારજનોને રૂ.10-10 લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા દરેક પીડિતને રૂ. 2-2 લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. ચુકાદો સંભળાવતી વખતે ગુજરાત હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે વળતર ચૂકવવાથી પોલીસ કાર્યવાહીમાંથી રાહત મળશે તેમ કંપનીએ માનવું જોઈએ નહીં. કેસની કાર્યવાહી અને વળતરને કોઈ સંબંધ નથી.
- Advertisement -
મોરબી પુલ દુર્ઘટના મામલે ગત 27 જાન્યુઆરીએ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેમાં ભાગેડું આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો હતો. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો હતો. સમારકામની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો હતો. વધુમાં પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું હતું. એટલું જ નહીં ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપાયું હોવા ઉપરાંત પુલ નદીની ઉપર હોવા છતા લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ન કર્યાનું પણ બહાર આવ્યું હતું.