ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન થકી યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે. જેના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય ખાદ્ય અન્ન સુરક્ષા મિશન-ન્યૂટ્રી સીરિયલ યોજના હેઠળ ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો મિલેટ ઉત્સવ યોજાયો હતો. આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ-2023ને એક જનઆંદોલનના રૂપમાં લઈ સામાન્ય રીતે ગૌણ જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મૂલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય વગેરેમાં સકારાત્મક પરિવર્તન આવે એવો પ્રયત્ન કર્યો છે ઉપરાંત મિલેટ્સ ધાન્યો એનિમિયા તથા કુપોષણ દુર કરવામાં મદદ કરે છે. આમ આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં થતા રોગો સામે રક્ષણ પૂરું પાડી શરીરના સંતુલિત વિકાસમાં મિલેટ્સ ખૂબ મદદરૂપ થાય છે.ખેતીવાડી શાખા દ્વારા વિવિધ 10 સ્ટોલ વડે કૃષિ પ્રદર્શની પણ યોજવામાં આવી હતી. તેમજ મહાનુભાવો દ્વારા પ્રગતિશિલ ખેડૂતોને શાલ ઓઢાડી અને મિલેટ્સ સ્પર્ધા વિજેતા આંગણવાડીના બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં.
ગિર-સોમનાથના કાજલી ખાતે મિલેટ મહોત્સવ-2023ની ઉજવણી કરાઈ
