13 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથના દરિયાકિનારા નજીક સરકારી જગ્યામાં અંદાજે 30 વર્ષથી થયેલા પાંચ હજાર ચો.મી.થી વધુના દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંકલન કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ડ્રોન કેમેરા સાથે સતત નજર પણ રાખી અને શહેરના એન્ટ્રી તેમજ એકઝિટ પોઇન્ટ પર ચુસ્ત ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
વેરાવળ પ્રાંત અધિકારી કે.વી.બાટીના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.જેમાં 5134 ચોરસ મીટર જેટલી જગ્યામાં 26 જેટલા વાણિજ્યક હેતુના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેના પગલે 13000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે.આ તકે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ગોઠવાયું હતું.
ઉપરાંત કોઈ તોફાની તત્વો શહેર માં પ્રવેશ ના કરે તે માટે જિલ્લાની સરહદ શાંતિપરા પાટિયા અને સોમનાથ સર્કલ પર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું.સુરક્ષાને લઈને પણ સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ 2 ડીવાયએસપી, 5 પીઆઈ, 17 પીએસ આઇ, એસઓજી, એલસીબી, એસઆરપી કંપની સહિત 450 થી વધુ પોલીસ કર્મીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો.