મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ડોંબિવલીમાં મરાઠી-ગુજરાતી નાટ્ય આદાન-પ્રદાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રવિવારે ડોંબિવલીના તિલકનગર સ્કૂલના હોલમાં છ ગુજરાતી અને મરાઠી કલાકારોએ તેમના અભિનયથી પ્રેક્ષકોને નાટ્યઘેલા કર્યા હતા. દિપ પ્રાગટ્ય બાદ મરાઠીમાં નટરાજ વંદન બાદ પ્રવીણકુમાર વ્યાસે ગુજરાતીમાં ગણેશ પ્રાર્થના રંગલાની ભવાઈ સ્વરૂપે રજૂ થઈ હતી.
આ તકે બંને ભાષાના નાટકોના આદાન-પ્રદાન બાબત ૐકાર કલા મંડળના દુર્ગારાજ જોશી અને નાટ્યકાર સતીશ વ્યાસે પ્રાસ્તાવિક રજૂ કર્યું હતું, ત્યાર બાદ બંને ભાષાનાં અનુવાદીત નાટકોનાં દ્રશ્યો રજૂ થયા. જેમાં ‘નટસમ્રાટ’નો અંશ પ્રવીણકુમાર વ્યાસે તથા ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’નો નાટ્યઅંશ નિખિલા ઇનામદારે રજૂ કર્યો હતો. ‘અભિનય સમ્રાટ’નો અંશ સતીશ વ્યાસે અને ‘અશ્રુચી ઝાલી ફૂલે’નો અંશ રમેશ ભિંડેએ તથા ‘ચિત્કાર’નો નાટ્યઅંશ સુજાતા મહેતાએ રજૂ કર્યો હતો અને ‘અધાંતર’નો અંશ નિખિલા ઇનામદારે, ‘નટ સમ્રાટ’નો અંશ પ્રવીણકુમાર વ્યાસે, ‘સંતુ રંગીલી’નો સુજાતા મહેતાએ અને ‘તી ફુલરાણી’નો અંશ ડો. મોનિકા ઠક્કરે રજૂ કર્યો હતો ત્યાર બાદ નાટ્યકારોનું સન્માન થયું હતું. આપણો ગૌરવશાળી ભૂતકાળ ધરાવતી રંગભૂમિના આદાન-પ્રદાનને રજૂ કરતા આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ એવી લાગણી શ્રોતાઓએ વ્યક્ત કરી હતી.