અધિકારીઓએ 10.9 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. 35500ની વસૂલાત કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ભારે વરસાદ વચ્ચે ભૂગર્ભ ગટરો જામ થઇ ઓવરફલો થવા સાથે છેક નદી કાંઠા સુધી પ્લાસ્ટીક વેસ્ટનું દુષણ ઉભરાઇને પહોંચ્યું હતું. આવા પ્લાસ્ટિકનો ઉપયોગ પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડે છે. ખાસ ચા અને પાનની દુકાને થતા આવા ન્યૂસન્સ સામે મનપા કમિશનરે ખાસ ઝુંબેશ શરૂ કરાવી છે. જેમાં જુદા-જુદા વિસ્તારમાં ચા-પાનના 105 જેટલા ધંધાર્થીઓ દંડાયા હતા. મનપાનાં અધિકારીઓ દ્વારા જુદા-જુદા વેપારીઓ પાસેથી 10.9 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂા.35500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.02, 03, 07, 13, 14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
મધ્ય ઝોનના બજરંગવાડી, જામટાવર, કસ્તુરબા રોડ, ઢેબર રોડ, કનક રોડ, યાજ્ઞિક રોડ, રેલ્વે સ્ટેશન રોડ, જયુબેલી રોડ, કૃષ્ણનગર મેઇન રોડ, મવડી રોડ, ગોંડલ રોડ, કોઠારીયા રોડ, કેનાલ રોડ, વિસ્તારમાં કુલ-41 આસામીઓ પાસેથી 3.9 કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ પાસેથી રૂ.13,300/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
પશ્ચિમ ઝોનના વોર્ડ નં.01, 08, 09, 10, 11 તથા 12 ના વોર્ડ વિસ્તારમાં કુલ-42 આસામીઓ પાસેથી 4.5 કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ પાસેથી રૂ.15,250 જેટલો વહીવટી ચાર્જ અને પુર્વ ઝોનના વોર્ડ નં.04, 05, 06, 15, 16 તથા 18ના વોર્ડમાં કુલ-22 આસામીઓ પાસેથી 2.550 કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ પાસેથી રૂ.7,250 જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.