અર્થામૃત
દુરાચારી, ખરાબ નજરવાળા દુષ્ટ, કોઈ પણ પ્રકારના કારણ વિના બીજાને હાનિ પહોંચાડતા અને દુર્જનો સાથે દોસ્તી રાખનાર શ્રેષ્ઠ પુરુષની કીર્તિ ઝડપથી નાશ પામે છે.
કથામૃત
એક સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો અને અસહ્ય પીડાને કારણે મૃત્યુ પામી. ત્યાંથી પસાર થતા ઘેટાઓએ આ દૃશ્ય જોયું અને તાજા જન્મેલા બચ્ચા પ્રત્યે દયાભાવથી પોતાની સાથે લીધું. આ બચ્ચું સમય જતા શારીરિક રીતે સિંહ બની ગયું, પરંતુ સ્વભાવ અને વિચારની દૃષ્ટિએ એ ઘેટું જ રહ્યું; કારણ કે એનો ઉછેર ઘેટાના ટોળાની વચ્ચે થયો હતો.
એકવાર કોઈ સિંહને જોઇને બધાં ઘેટા ગભરાઇને ભાગ્યા, તેની સાથે પેલું સિંહનું મોટું થઈ ગયેલુ બચ્ચું પણ ભાગ્યું. સિંહે જ્યારે આ જોયું ત્યારે એને આશ્ચર્ય થયું કે, ‘મને જોઇને આ ઘેટા ભાગે એ તો સમજી શકાય તેમ છે, પણ મને જોઇને આ સિંહ કેમ ભાગે છે !’ એણે તરાપ મારીને પેલા ભાગી રહેલા સિંહને પકડ્યો. તે તો એકદમ ગભરાઇ ગયો. ઝાડા-પેશાબ પણ છૂટી ગયા. સિંહે આ ભાગી રહેલા અને પકડાયેલા સિંહને પૂછ્યું કે, તું કેમ ગભરાય છે, મારાથી ? પેલો કહે, અરે તમે સિંહ છો અને હું ઘેટું છું. તો ડર તો લાગે જ ને!
સિંહ તેની ગળચી પકડીને નદીકાંઠે લઈ ગયો નદીનાં પાણીમાં બંનેનું પ્રતિબિંબ બતાવીને કહ્યું કે, જો આપણે બંને દેખાવે સરખા જ છીએ કે નહીં? હું સિંહ છું તો તું પણ સિંહ જ છે. અને હજુ વધુ ખાતરી માટે તું મારી જેમ ત્રાડ પાડ. તારાથી પણ એમ થશે. પેલા સિંહને થોડો આત્મવિશ્વાસ આવ્યો અને એને ગર્જના કરી. વર્ષોથી તેનામાં રહેલું ઘેટું મૃત્યુ પામ્યુ અને સિંહ જીવિત થયો.
આપણા જીવનમાં પણ ઘણીવાર આવું જ બનતું હોય છે. આપણામાં અનેક શક્યતાઓ ધરબાઈ-ધરબાઈને ભરેલી હોય છે. પરંતુ કમનસીબે આપણે નબળા વિચારોવાળા ઘેટા જેવા લોકોના ટોળામાં ભળીને આપણી જાતને સામાન્ય સમજી રહ્યા છીએ. ક્યારેક એકાંતમાં આપણી જાત સાથે વાત કરીએ ત્યારે ખ્યાલ આવે કે આપણામાં કેવી અપાર અને અદ્ભુત શક્તિઓ પડેલી છે. પરંતુ આપણને આપણી જાતનો જ પરિચય નથી.
- Advertisement -
બોધામૃત
નબળાં વિચારો અને નકારાત્મક વાતો કરનારા ઘેટા જેવા માણસોથી દૂર રહેજો, નહીંતર તમે સિંહ હોવા છતાં ઘેટું બની જશો.
અનુભવામૃત
ખરાબ સંગત કરતાં એકલા રહેવું વધુ સારું છે.
-જ્યોર્જ વોશિંગટન