તળાવમાં પ્લાસ્ટીકની થેલીઓમાં માછલીઓ ફસાઈને મરતી જોઈ સંસ્થાના સભ્યોએ છેડ્યું સફાઈ અભિયાન: સમાજને નવી રાહ ચીંધી
રાજકોટ સહિત રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન કોરોનાગ્રસ્ત પરિવારો માટે નિ:શુલ્ક ટીફીન સેવા આપવાથી શરૂ થયેલા ‘સાથ’ સેવા સંગઠન દ્વારા અનેકવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને સમાજને નવી દિશા આપી પર્યાવરણનું જતન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.
ગણેશ વિસર્જન બાદ શહેરની ભાગોળે પરશુરામ મંદિર નજીક આવેલા તળાવની મુલાકાતે ગયેલા સંગઠનના કેટલાક સભ્યોએ જોયું કે, તળાવમાં અનેક મુર્તિઓ સાથે પ્લાસ્ટિક તેમજ બીજો કચરો પડેલો છે. આ તળાવમાં માછલીઓ-કાચબાં જેવાં જળચર પ્રાણીઓ છે, જે આ બધા કચરામાં ફસાય જાય છે અને તેને કારણે તેમનું મૃત્યું પણ થાય છે. આ બધું જોઈને સભ્યોનું હૃદય દ્રવી ઉઠયું. આ બનાવને પગલે સંગઠનનાં સભ્યોએ તળાવનું સફાઈ અભિયાન હાથ ધરવાનું નક્કી કરી જરૂરી સાધન-સામગ્રીઓ લઈ આજ રોજ તળાવ પર પહોંચી ગયા હતાં. આજના દિવસના સફાઈ અભિયાનનો સોશ્યલ મીડિયામાં પણ પ્રચાર કરવામાં આવ્યો હતો જેને કારણે વડિલોથી નાના બાળકો સુધીના આશરે ૧૫૦ જેટલાં લોકો સફાઈ કરવા પહોંચી ગયા હતા. બધાએ ભેગા મળીને આશરે ૩૦ કોથળાં જેટલો કચરો એકત્રિત કર્યો હતો અને આ સફાઈ કાર્યમાં રાજકોટ મહાનગરપાલિકાનાં ફાયર બ્રિગેડ તથા સેનીટેશન વિભાગનાં કર્મચારીઓએ સુંદર સાથ આપ્યો હતો.
- Advertisement -
આ કાર્યમાં જોડાયેલા તમામ લોકોમાં સફાઈ પ્રત્યેની અને પર્યાવરણની રક્ષા કરવાની જાગૃતિ પણ આવી હતી અને તેમાં જોડાયેલા લોકોએ પર્યાવરણની જાળવણીનો અને બચાવવાનો સંકલ્પ કર્યો હતો. ‘સાથ’ સેવા સંગઠનનાં સભ્યોએ સમાજમાં લોકોને સફાઈ પ્રત્યેની જાગૃતિ લાવવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, ધાર્મિક પ્રસંગો બાદ ભગવાનનાં ફોટા-પ્રતિમાઓ, ફુલ, શ્રીફળ વગેરેને પાણીમાં પધરાવાય છે. જેનાથી નદી-તળાવમાં પ્રદુષણ ફેલાય છે. પરંતુ, જો આ તમામ વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને પ્રતિમાઓ રિસાઈકલીંગ થાય તેવા મટીરીયલની ખરીદવામાં આવે તો પાણીનું પ્રદુષણ ઘટશે. પર્યાવરણની ઈકો સીસ્ટમ જળવાશે જેનાથી જળચર પ્રાણીઓનું રક્ષણ થશે.
રાજકોટ કોર્પો.ના ફાયર બ્રિગેડ અને સેનીટેશન વિભાગના સહકારથી રાજકોટના ‘સાથ’ સેવા સંગઠન દ્વારા તળાવની સફાઈ કરાઈ.