ભારતમાં 2024નું વર્ષ 123 વર્ષના ઈતિહાસનું સૌથી ‘ગરમ’રહ્યું
ગુજરાતના કેટલાંક ભાગોમાં જાન્યુઆરીનું તાપમાન નોર્મલ કરતા નીચુ રહેશે પરંતુ દેશના અન્ય ભાગોમાં ‘ઉંચું’ રહેવાની હવામાન વિભાગની આગાહી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
ભારત માટે કેલેન્ડર વર્ષ 2024 અત્યાર સુધીનું સૌથી ગરમ જાહેર કરવામાં આવ્યું છે. સાથોસાથ જાન્યુઆરીથી માર્ચ સુધીનાં ત્રણ મહિના પણ નોર્મલ કરતાં ગરમ બની રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે, ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી ચાલુ જાન્યુઆરી મહિનામાં તાપમાન નોર્મલ કે તેનાથી નીચે રહેવાની સંભાવના છે.અર્થાત ઠંડીનો માહોલ રહેશે. ભારતીય હવામાન વિભાગે સતાવાર રીપોર્ટમાં કહ્યું કે, ઓકટોબરથી ડીસેમ્બર 2024 સૌથી ગરમ હતા અને તેમાંથી ઓકટોબર મહિનો 123 વર્ષના ઈતિહાસનો સૌથી ગરમ હતો. 2024 માં સરેરાશ 25.75 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું તે રેકોર્ડ પણ તૂટયો છે. 0.11 ડીગ્રીનો આ તફાવત હવામાનની દ્રષ્ટ્રિએ ઘણો મોટો છે.
વૈશ્વિક સ્તરે તાપમાન વધી જ રહ્યું હોવાનો રીપોર્ટ વિશ્વ હવામાન સંગઠને પણ જારી કર્યો હોવાનું ઉલ્લેખનીય છે. જાન્યુઆરી મહિનાનો વર્તારો જાહેર કરતાં હવામાન વિભાગનાં રીપોર્ટમાં એમ કહેવાયું છે કે દેશનાં મોટાભાગનાં રાજયોમાં લઘુતમ તાપમાન મોટાભાગે નોર્મલથી ઉંચુ જ રહેશે.ઉતરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ-ગુજરાત જેવા પૂર્વોતર રાજયોમાં ન્યુનતમ તાપમાન નોર્મલ કે તેનાથી નીચુ રહેશે. અર્થાત ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગનાં વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં મધ્ય ભારતનાં પશ્ચિમી તથા ઉતરીય ભાગોમાં કોલ્ડવેવનાં દિવસોની સંખ્યા સામાન્ય કરતા વધુ રહેશે.દસ દિવસ બાદ પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થઈ રહ્યો છે.તે સમયગાળામાં પણ તાપમાન નોર્મલથી નીચુ રહેવાની સંભાવના છે. વરસાદને લાગેવળગે છે ત્યાં સુધી જાન્યુઆરીનો વરસાદ સામાન્ય કરતા વધુ રહી શકે છે અને તેને કારણે શિયાળુ પાકને લાભ થશે. પૂર્વીય ઉતર પ્રદેશ, પશ્ચિમી ઉતર પ્રદેશ, ઉતરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર તથા લદાખ જેવા સાત હવામાન સબ ડિવીઝનોમાં એકસમાન અને નોર્મલ કરતા વધુ રહેશે.