ટંકારા નગરપાલિકા સામે ફરી વિરોધ ઉઠયો, આક્રોશ રેલી યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
ટંકારા ખાતે ચૌદ મહિના પૂર્વે દયાનંદ 200 મા જન્મોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ ટંકારા ને નગરપાલીકા નો દરજ્જો આપવાની જાહેરાત કર્યા બાદ ગત જુલાઈથી નગરપાલીકા વિધીવત કાર્યરત થઈ ચુકી છે. પરંતુ પાલીકાથી મૂળ ટંકારા નિવાસી પ્રજાજનો મા કચવાટ સાથે રોષ ફેલાયો હતો જે હજુ યથાવત રહ્યો હોય એમ પાલિકા રદ કરવા વારંવાર વિરોધ ના સુર ઉઠતા રહ્યા છે. અગાઉ રેલીઓ, આવેદનપત્ર પાઠવી લોકોએ આક્રોશ ઠાલવ્યા છે. તેમ છતા પાલીકા કાર્યરત થઈ જતા સોમવારે ફરી વધુ એક વખત પાલિકા રદ કરી ફરી ગ્રામ પંચાયત પૂર્વવત કરવાની માંગણી અને સરકાર ના નિર્ણય થી નારાજગી વ્યક્ત કરીને શહેરના રાજમાર્ગો પર આક્રોશ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. ટંકારા ને ગત જુલાઈ -24 મા પંચાયત માથી પાલીકા બનાવી દેવાયા બાદ અહીંયા વિધીવત પાલીકા અસ્તિત્વમા આવી ગઈ છે. પરંતુ પાલીકા સામે વિરોધ શમવાનુ નામ લેતો નથી. પાલીકાની જાહેરાતથી અવારનવાર મૂળ ટંકારા નિવાસી નગરજનો નાખુશ અને કચવાટ ની લાગણી સાથે રોષ વ્યક્ત કરી વિરોધ કરી રહ્યા હોવા છતા સરકારે વિરોધ ને ગણકાર્યા વગર ગ્રામ પંચાયત રદ કરી નગરપાલિકાનો વહીવટ ચાલુ કરી દેવાયો હતો. અગાઉ શહેરના નાખુશ લોકો એ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યુ હતુ. ઉપરાંત, નજીકના કલ્યાણપર ગામ ને ગ્રામજનો ની સમંતિ વગર પાલીકા મા ભેળવી દેવાતા ગામડાના લોકો એ સામુહિક પ્રચંડ વિરોધ સાથે ગત ઓગસ્ટમા સરકારના નિર્ણયથી રોષે ભરાઈ રેલી યોજીને પાલીકા માથી ગામડાને મુક્ત કરવા ગાંધીનગર સુધી પડઘા પહોંચાડ્યા હતા.
- Advertisement -
જેના પડઘા રૂપે સરકારને ગામડાની પાલીકા માથી બાદબાકી કરવી પડી હતી. ત્યારે સોમવારે ફરી વધુ એક વખત ટંકારાના હબીબ ઈસા અબ્રાણીએ શહેરીજનોને એક છજા હેઠળ એકઠા કરી પાલીકા રદ કરવા અને ગ્રામ પંચાયત પૂર્વવત કરવાની માંગણી સાથે આક્રોશ રેલી યોજી હતી. સરકારના નિર્ણય થયેલા નારાજ થયેલા લગભગ બસો થી વધુ લોકો સાથે નિકળેલી આક્રોશ રેલી શહેરના રાજમાર્ગો પર પસાર થઈ મામલતદાર કચેરીએ પહોંચી અહીંયા મામલતદાર પી.એન. ગોર ને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. અહીંયા રોષ વ્યક્ત કરતા હબીબ ઈસા સહિતના ઉપસ્થિત શહેરના લોકો રોષ ભેર રજુઆત કરી હતી કે, નગરપાલીકા બનાવવા માટે વસ્તી ધોરણ ના નિયત માપદંડો પુરતા નથી. છતા લોકો ના લલાટે વિકાસ નુ લેબલ ઠોકી બેસાડવા પાલીકા બનાવી દેવામા આવી છે. ત્રીસ વર્ષ પૂર્વે તાલુકો બનેલા ગામ નો વખાણવા લાયક વિકાસ કર્યો નથી. ઉલ્ટાનો રકાસ થયો હોય એમ બસસ્ટેશન છિનવાયુ હાલ બનેલા બસસ્ટેન્ડમા બસો બારોબાર નિકળી જાય છે. એ મુદ્દે નકર પગલા લેવા ને અવળા પાટે વિકાસ ની કેસેટ વગાડાઈ છે. યુવાધનને રોજગારીની પુરતી તકો મળે એવા રોજગાર સ્થાપવા ની જરૂર છે. અગાઉ લખધીરગઢ, જબલપુર સહિતના ગામડાઓ પાલીકા મા ભળવા નનૈયો ભણી ચુક્યા છે. તો ટંકારા નો અવાજ સંભળાતો નથી. એટલે વિરોધ કરવો પડે છે.