આપનો પાસપોર્ટ અને વિદેશ માટેના યોગ્ય ડોક્યુમેન્ટસ વાયવ્ય ખૂણામાં રાખશો તો ઝડપથી વિદેશ જવાના યોગ બનશે
પ્રશ્ર્ન 1: વાસ્તુશાસ્ત્ર અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ સમજાવશો અને અમારા ઘરમાં ડોગ રાખેલ છે તો તેના માટે ડોગ હાઉસ કઈ દિશામાં બનાવવું?
ઉત્તર: મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે સદીઓથી એકબીજા પ્રત્યે આત્મીય વર્તન રહ્યું છે અને મનુષ્ય પોતાની પાસે રહેલ જગ્યાના અનુસંધાનમાં પ્રાણીઓ કે પક્ષીઓને ઘરની અંદર પાળતો આવ્યો છે. શાસ્ત્રોમાંની વાત કરીએ તો દરેક દેવી-દેવતાએ કોઈ ને કોઈ પ્રાણી કે પંખીને પોતાના વાહન તરીકે પોતાની પાસે સ્થાન આપેલ છે. આપણે શરૂઆતના અંકોમાં પણ વાત કરી હતી તેમ પશુ-પંખી પાસે શુભ કે અશુભ ઊર્જા પારખવાની ઉત્તમ શક્તિઓ રહેલી છે. આપણી સંસ્કૃતિમાં ઘરની અંદર પાળવામાં આવતાં મોટાભાગના પ્રાણીઓ માલીકો પ્રત્યે વફાદારીનો અદ્ભુત ગુણ ધરાવે છે. હિન્દુ પુરાણોમાં ગાયનું સર્વોચ્ચ મૂલ્ય છે. ‘માતા’ તરીકે ઓળખાતી ગાય એક પવિત્ર પ્રાણી છે, એટલે જ વર્ષોથી નાના ગામોની અંદર જ્યારે ઘરોની અંદર વિશાળ જગ્યાઓ હતી ત્યારે ગાયને ઘરની અંદર અચૂક રાખવામાં આવતી હતી અને માલીક પોતે ગાયને પોતાના હાથથી રોટલી ખવડાવતાં હતાં. શાસ્ત્રોની અંદર પણ જમતાં પહેલાં ગૌગ્રાસ અલગથી રાખવાની પ્રથા રહી છે. ગાયના દૂધ ઉપરાંત ગૌમૂત્ર અને ગોબર પણ મનુષ્યને અનેકવિધ લાભ આપનારાં છે. આ સિવાય જ્યારે ટેકનોલોજીની શોધ થઈ ન હતી ત્યારે ખેતીની અંદર બળદ અને વાહન વ્યવહાર માટે ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજના સમયની અંદર ગાય કે ઘોડા જેવા મોટા પ્રાણીઓને તો ઘરની અંદર રાખવા સંભવ નથી, કેમકે હવે જગ્યાઓ એટલી બધી મોટી રહી નથી પરંતુ વાસ્તુ પ્રમાણે પ્રાણીઓને રાખવા માટેનો ખૂણો વાયવ્ય એટલે કે ઉત્તર દિશા અને પશ્ર્ચિમ દિશા વચ્ચેનો નોર્થવેસ્ટ કોર્નર છે તેથી આપનું ડોગ હાઉસ ત્યાં બનાવવું. મનુષ્ય સાથે શ્રેષ્ઠ મિત્રતા ધરાવનાર પ્રાણી એટલે શ્ર્વાન. આજના સમયની અંદર અન્ય પ્રાણીઓ કરતાં કૂતરાઓને પાળવાનું ચલણ ઘણું વધારે છે. તેનું મુખ્ય કારણ તેની વફાદારી તથા માલીક કે જગ્યાની સલામતીમાં પણ ડોગ ઘણાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં ગ્રહદોષ નિવારણ માટે પણ કાળા કૂતરાઓની સેવા કે તેને ભોજન કરાવવાના ઉપાયો આપવામાં આવતાં હોય છે, પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જો ઘરની અંદર જગ્યા ન હોય તો કૂતરાઓને ઘરમાં ન રાખતાં ઘરના વાયવ્ય ખૂણામાં બહાર તેમની રહેવાની વ્યવસ્થા કરવી. પશુ-પંખીની વાત કરીએ તો ચાઈનીઝ ફેંગસુઈમાં માછલીઘર એટલે કે એક્વેરિયમ દ્વારા આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિના ઉપાયો કરવામાં આવતાં હોય છે અને શારીરિક તંદુરસ્તી માટે અલગ-અલગ મેટલ કે ક્રિસ્ટલના કાચબાના પ્રતીકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ તો પક્ષીઓ મુક્તપણે આકાશમાં વિહરવા માટે છે. તેમના માટે પાંજરૂ તેમની ઉડવાની ક્ષમતાને સિમિત કરે છે છતાં ઘણાં લોકો શોખથી ઘરમાં પક્ષીઓ રાખતાં હોય છે તો તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળે તેની ખાસ કાળજી રાખશો.
- Advertisement -
પ્રશ્ર્ન 2: વિદેશમાં સેટલ થવા માટે અને તેના વિઝા ઝડપથી મળી જાય તે માટે કોઈ વાસ્તુ ટિપ્સ આપશો?
ઉત્તર: ઘણાં લોકો અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવા ઉત્સુક હોય છે, પરંતુ તેમને સમયસર વિઝા ન મળવા કે કારણ વગરના વિલંબ માટે તેમની ગ્રહદશા કે તેમની રહેવાની જગ્યા ચોક્કસપણે ભાગ ભજવતી હોય છે. વિદેશ જવા માટે સૌપ્રથમ આપના ભાગ્યની અંદર વિદેશ યોગ હોવો જોઈએ જેથી કરીને વાસ્તુમાં સૂચવેલા ઉપાયો કર્યા બાદ તેનો ત્વરિત લાભ મેળવી શકાય. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુવમેન્ટ માટેનો ખૂણો ઉત્તર અને પશ્ર્ચિમ વચ્ચેનો ખૂણો એટલે કે વાયવ્ય કોણ છે. વાયુતત્ત્વ સાથે સંકળાયેલો આ ખૂણો તમોને સ્થાન પરિવર્તનમાં ચોક્કસપણે સહાયરૂપ થઈ શકે છે, જેવી રીતે હવા કોઈ જગ્યાએ સ્થિર રહેતી નથી અને સતત ગતિશીલ રહે છે. તેવી જ રીતે આ ખૂણામાં રાખવામાં આવેલી વસ્તુઓમાં બધી પ્રક્રિયાઓ ઝડપથી થશે માટે આપ આપનો પાસપોર્ટ અને વિદેશ માટેના યોગ્ય ડોક્યુમેન્ટસ વાયવ્ય ખૂણામાં રાખશો. આ ઉપરાંત વાયવ્ય ખૂણાની અંદર કોઈ અવરોધરૂપ વસ્તુઓ નથી, તેની ખાતરી કરી લેશો. ઘણાં કિસ્સાઓની અંદર ખૂણો કટ થયો હોય એટલે કે મિસિંગ હોય તો પણ પ્રવાસ-પર્યટનને લગતાં કામોમાં વિલંબ થતો હોય છે. વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓ સૂવા માટે નોર્થ વેસ્ટ રૂમનો ઉપયોગ કરે તે વધારે યોગ્ય રહેશે અને જો આપ નૈઋત્ય ખૂણાના રૂમનો ઉપયોગ કરતાં હોય તો થોડા સમય માટે ત્યાં સૂવાનું ટાળી વાયવ્ય ખૂણાના રૂમમાં શિફ્ટ થઈ જવું જોઈએ. જો આપના વાયવ્ય ખૂણાની અંદર બારી એટલે કે વિન્ડો ન હોય અને આપ ત્યાં સિવિલ ચેન્જીસ કરીને વિન્ડો બનાવી શકો તેમ હો તો અચૂકપણે ત્યાં બારી બનાવશો, તે આપના પ્રવાસ-પર્યટનને ખૂબ જ વેગ આપી શકે છે. ધાર્મિક ઉપાયોની વાત કરીએ તો વાયુપુત્ર હનુમાનજીની ઉપાસના પ્રવાસ-પર્યટન આડેના વિઘ્નો દૂર કરવામાં ખૂબ ફળદાયી બને છે.
પ્રશ્ર્ન 3: અમારા ઘરની અંદર એક ભગવાનની મૂર્તિ ખંડિત થયેલ છે તો શું તે ઘરની અંદર રાખી શકાય?
ઉત્તર: વાસ્તુ વિષયમાં ઘણીવાર પૂછાતા પ્રશ્ર્નોમાંનો આ એક પ્રશ્ર્ન છે. વાસ્તુ પ્રમાણે ઘરની અંદર ખંડિત મૂર્તિ રાખવી જોઈએ નહીં તથા વિધિવત રીતે બ્રાહ્મણ પાસે નવી મૂર્તિની સ્થાપના કરી ખંડિત મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ. મૂર્તિ સિવાય ઘરની અંદર ઘણી વખત ભગવાનના ફાટી ગયેલા ફોટો, તૂટી ગયેલી ઘડિયાળો કે ફ્લાવરવાઝ વગેરેને પણ ઘરની અંદર ન રાખવા અને નવા લાવી તેને રિપ્લેસ કરવા.
પ્રશ્ર્ન 4: ઓફિસની અંદર મિટીંગ રૂમમાં ગોળ આકારનું મિટીંગ ટેબલ રાખી શકાય?
ઉત્તર: બહુ જ સારો પ્રશ્ર્ન. વાસ્તુશાસ્ત્રમાં પ્રવૃત્તિ અને પંચતત્ત્વોને આધારે દરેક વસ્તુઓના આકાર નક્કી કરવામાં આવતાં હોય છે. સામાન્ય રીતે જો લંબાણપૂર્વક ચર્ચા કરવાની હોય કે વિસ્તૃત સમજણ આપવાની હોય કે ખૂબ જ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો ચોરસ કે લંબચોરસ મિટીંગ ટેબલ રાખવું જોઈએ. પરંતુ ટૂંકાણમાં ચર્ચા કરી વાત ઝડપથી સમજાવવાની હોય, ઓછી અગત્યની મિટીંગ હોય તો ગોળ ટેબલ પણ ચાલશે.
- Advertisement -
રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.