‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ રાજકોટ શિક્ષણ સમિતિમાં ચાલતા ગરબડ, ગોટાળા, ગોલમાલનાં અહેવાલોને પ્રચંડ પ્રતિસાદ

અતુલ પંડિત અને કિરીટસિંહ પરમારનાં કૌભાંડની નોંધ પ્રિન્ટ-ઇલેટ્રોનિક મીડિયા સહિત શિક્ષણમંત્રીએ પણ લીધી

અતુલ પંડિતના રાજીનામા અને કિરીટ પરમારના સસ્પેન્શનની તોળાતી ઘડીઓ

ખાસ-ખબર દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી સતત રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કૌભાંડ એક પછી એક ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે. રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયા સાથે મળી આચરવામાં આવેલા યુનિફોર્મ, સ્કૂલ સ્ટેશનરી ખરીદી, પ્રવાસી શિક્ષકોની ભરતી, કાયમી શિક્ષકોની બદલી અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવા સહિત કૌભાંડના અહેવાલ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલતા ગરબડ, ગોટાળા, ગોલમાલ અંગે ખાસ-ખબરમાં પ્રસિદ્ધ અહેવાલની નોંધ ગુજરાતના તમામ પ્રિન્ટ અને ઇલેટ્રોનિક મીડિયાજગત સાથે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ લઈ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. અતુલ પંડિત અને કિરીટ પરમારના કાળા કારનામાઓ સામે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવા ભાજપ, આર.એસ.એસ., આમ આદમી પાર્ટી, શિક્ષણ જગતમાંથી માંગ ઉઠી છે. અતુલ પંડિતે કરેલા ઠરાવ અને કિરીટ પરમાર ફાળવેલી ગ્રાન્ટ તેમજ લીધેલા વિવિધ નિર્ણતી હવે જિલ્લા શિક્ષણાધિકારી અને મ્યુ.કમિશનર તપાસ કરી સરકારના શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપશે. અતુલ પંડિતના રાજીનામા અને કિરીટ પરમારના સસ્પેન્શનની તોળાતી ઘડીઓ વચ્ચે રાજકોટ શિક્ષણ સમિતિનું સ્તર સુધરે તે માટે પણ પ્રયાસો થવા જોઈએ.

શાસનાધિકારી કિરીટસિંહ પરમાર ધારે તો પગલાં લઈ શકે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમાર છે. તેઓ પાસે સરકારી યુનિફોર્મ ખરીદી સહિત અન્ય કૌભાંડો મામલે જવાબદાર વિરુદ્ધ પગલાં ભરવાની સત્તા છે પરંતુ આ કૌભાંડોમાં તેઓ પણ સંકળાયેલા છે. ચેરમેન અતુલ પંડિતના કૌભાંડોમાં જો દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયા સાથે શાસનાધિકારી કિરીટ પરમાર સંકળાયેલા ન હોય તો તેઓ પગલાં ભરી બતાવે એવી માંગ સરકારી શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓના વાલીઓ કરી રહ્યા છે.