સર્વેનું તારણ: લોકોની પ્રાથમિકતા બદલાઈ ગયાનો સુર
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીના તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે છતાં મોંઘવારીને કારણે લોકોની ખરીદીની પ્રાથમિકતા બદલાઈ છે. પરીણામે ખાસ કરીને કપડા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. તહેવાર છતાં કપડા ઉદ્યોગોમાં વેચાણ-વિકાસદર નેગેટીવ હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. એક સર્વેમાં એવુ બહાર આવ્યુ છે કે કપડા બનાવતી કંપનીઓને તહેવારી ડીમાંડમાં 25 ટકાનો ઘટાડો થવાની શંકા છે.
ટેકસટાઈલ્સ ક્ષેત્રમાં સેન્ટીમેન્ટ એટલુ નબળુ છે કે 78 ટકા ઉત્પાદકો બ્રાંડ ફેસ્ટીવલ સીઝનમાં ડીમાંડ ગ્રોથ નેગેટીવ રહેવાનું માને છે. ધ કલોથીંગ મેન્યુફેકચરીંગ એસોસીએશન ઓફ ઈન્ડીયા દ્વારા 166 કપડા ઉત્પાદકો બ્રાંડનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં 78 ટકા ઉત્પાદકોએ તહેવારો છતાં ડીમાંડમાં ઘટાડો રહેવાનો સુર દર્શાવ્યો હતો. સર્વેનાં તારણ પ્રમાણે કપડાની ડીમાંડમાં ઘટાડાની સૌથી વધુ અસર ઓફલાઈન સ્ટોર્સ 5ર પડવાની સંભાવના છે. માત્ર 22 ટકા ઉત્પાદકોએ જ તહેવારોમાં ડીમાંડ વધવાનો મત દર્શાવ્યો હતો.
67 ટકા ઉત્પાદકોએ એમ કહ્યું કે અત્યંત મોંઘા કે સાવ સસ્તા કપડાની સરખામણીએ મહતમ કિંમત ધરાવતાં કપડાની ડીમાંડ પ્રમાણમાં નોંધપાત્ર રહેશે. 49 ટકા ઉત્પાદકોએ એમ કહ્યું કે બાળકોનાં કપડાની ડીમાંડ વધુ રહી શકે છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કપડા માર્કેટ છેલ્લા એક વર્ષથી સુસ્ત છે અને આવો ટ્રેન્ડ છેલ્લા 25 વર્ષમાં કયારેય જોવા મળ્યો નથી. લોકોની ખર્ચ કરવાની પ્રાથમીકતા બદલાઈ છે. લોકો તહેવારી સીઝનમાં ઈલેકટ્રોનીકસ, વાહનો જેવી ચીજોમાં વધુ નાણાં ખર્ચ કરી રહ્યા છે.