ઈકો સેન્સિટિવ ઝોનમાં ઘુડખર અભયારણ્ય નજીક થતી રેતીચોરી પર લગામ ક્યારે ?
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકામાંથી નીકળતી બ્રાહ્મણી નદીમાં બેફામ રેતીચોરી થતી હોવાના અવાર નવાર સમાચાર સામે આવે છે ત્યારે વધુ એકવાર મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના છેવાડાના ગામ અજીતગઢ પાસેથી રેતીચોરી કરતા બે હિટાચી મશીન ઝડપી લીધા છે અને સાથે બે શખ્સોની અટકાયત પણ કરી છે તો સાથે જ ઈકો સેન્સિટિવ ઝોનની નજીક એટલે કે ઘુડખર અભયારણ્યના સીમાડાની બાજુમાં લુપ્ત થતી પ્રજાતિઓને હાની પહોંચે એ રીતે દિવસ-રાત બેફામ રેતીચોરીને અંજામ આપતા વાહનોને મોરબી એલસીબીની ટીમે ઝડપી પાડી ખાણ ખનીજ વિભાગને સોંપ્યા છે અને મોરબી ખાણ ખનીજ વિભાગે 50 લાખની કિંમતના બે હિટાચી મશીન હળવદ પોલીસના હવાલે કરીને સુરેશભાઈ કિશોરભાઈ રાઠોડ અને સંજય હેમુભાઈ રાઠોડની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અહીં સવાલ એ થાય છે કે, વારંવાર બ્રાહ્મણી નદીમાંથી રેતીચોરીના કિસ્સાઓ સામે આવે છે તેમ છતાં ખાણ ખનીજ વિભાગ કડક કાર્યવાહી કેમ કરતું નથી ? શું ખાણ ખનીજ વિભાગને દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરવામાં રસ નથી કે પછી કોઈ અન્ય કારણો છે ? જોકે હળવદમાં મોટા ભાગે ઈકો સેન્સિટીવ ઝોન પાસેથી જ રેતીચોરી થાય છે જ્યાં લુપ્ત થતી પ્રજાતિઓને નુકસાન પહોંચે એ રીતે હિટાચી જેવા મશીનો, ડમ્પરો અને લોડર સહિત હોડકાઓથી બેફામ રેતીચોરીને અંજામ આપવામાં આવે છે. ઘુડખર અભયારણ્ય નજીકથી બેફામ રેતીચોરી છતાં વન વિભાગ પણ ભેદી મૌન સેવી રહ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્રને કામગીરી કરવામાં રસ નથી ? તંત્ર ક્યારે જાગશે અને બ્રાહ્મણી નદીમાં થતી રેતીચોરીને ક્યારે કાયમીના ધોરણે અટકાવશે તે તો આવનારો સમય જ બતાવશે.