એક તરફ વાટાઘાટો અને યુદ્ધ નથી કરવું એવી વાતો અને બીજી તરફ સતત ભારતીય સરહદે અટકચાળા. ચીન વિના કારણે સરહદે ટેન્શન વધારી રહ્યું હતું. ચીનની ચાલને હંફાવવા ભારતીય હવાઇ દળે લદ્દાખ સરહદે પોતાનાં કાબેલ વિમાનોને તહેનાત કર્યા હતા. સુખોઇ, મિરાજ અને તાજેતરમાં ફ્રાન્સ તરફથી મળેલા રાફેલ વિમાનો લદ્દાખ સરહદે સક્રિય થયા હતા અને ચીન પર સતત બાજનજર રાખી રહ્યા હતા. અગાઉના કડવા અનુભવના કારણે હવે ચીન પર સહેલાઇથી ભરોસો કરી શકાય એવું રહ્યું નથી.

હેન્લી હૉલ વિસ્તારમાં ભારતીય હવાઇ દળે પોતાની કુમક ગોઠવી દીધી

લદ્દાખ પાસે ચુમારના હેન્લી હૉલ વિસ્તારમાં ભારતીય હવાઇ દળે પોતાની કુમક ગોઠવી દીધી હતી. શિયાળો બેસવાની તૈયારી છે ત્યારે લાંબા સમયની સતર્કતા માટે ભારતીય હવાઇ દળે તરત પગલાં લીધાં હતાં. લદ્દાખની આસપાસ બંને દેશોનાં લશ્કરી અધિકારીઓ વચ્ચે એવી ચર્ચા થઇ હતી કે હવે સરહદ પર લશ્કરી કુમક વધારવી નહીં. પરંતુ ચીન વાટાઘાટ કર્યા પછી તરત ફરી જાય છે અને વધુ કુમક મોકલ્યા કરે છે. બંને દેશો વચ્ચે હજુય વાટાઘાટો ચાલુ હતી.

ચીન પર ભરોસો રાખી શકાય એમ નથી

ભારતીય લશ્કરના પ્રવક્તાએ કહ્યું હતું કે ચીન પર ભરોસો રાખી શકાય એમ નથી કારણ કે એની વાતો અને વર્તન વચ્ચે એકરાગતા નથી. એ બોલે છે કંઇ અને કરે છે કંઇ. એટલે આપણે સતત સજાગ રહેવું પડશે.