આપણને ઇશ્વરના અસ્તિત્વના પુરાવાઓ જોઇએ છે. એના માટે મીરાંબાઇની જેમ રાજમહેલ છોડવો પડે. નરસૈંયાની જેમ ’ભલું થયું ભાંગી જંજાળ’ ગાવું પડે. આપણે તો એક ટાંકણીનો પણ ત્યાગ કરવો નથી.
જો આંખ અને કાન ખુલ્લાં રાખો તો આ જગતમાં ચોમેર ઇશ્વરનું અસ્તિત્વ જોવા મળશે. પંખીઓના કલશોરમાં, દરિયાના ઘુઘવાટમાં, પહાડો પરથી પડતાં ઝરણાંના નિનાદમાં, મંદિરમાં વાગતા ઘંટારવમાં અને શિશુના ખિલખિલાટમાં સ્વયં ઇશ્વર જ વિલસી રહ્યો છે. આ બધા નાદ એ જ નાદબ્રહ્મ છે.
- Advertisement -
આપણી ભીતર પણ એક નાદ અવિરત ગુંજી રહ્યો છે. જો આપણે એકાંત ઓરડામાં બેસીને કાન બંધ કરીને તમામ પ્રકારના બાહ્ય અવાજોને આપણી અંદર પ્રવેશતા અટકાવી દઇને એકાગ્ર ચિત્તે પ્રયત્ન કરીશું તો થોડાક દિવસો પછી આપણને એ અંતરનાદ સંભળાવા લાગશે.
સૌથી અઘરી અને મહત્ત્વની શરત એકાગ્રતા કેળવવાની છે. માત્ર બાહ્ય અવાજોને જ નહીં, પણ બાહ્ય વિચારોને ખાળી શકીશું તો જ અંતરવીણાના સૂરો સાંભળી શકીશું.