દુનિયાના મહાસાગરો, નદીઓ, તળાવોમાં કેટલુ પાણી છે? વિશ્વમાં પ્રથમ વખત આ પ્રકારનુ સર્વેક્ષણ કરવાની તૈયારી શરૂ થઈ છે. આ સર્વે માટે નાસા ખાસ ઉપગ્રહ મિશન હાથ ધરશે. કેલિફોર્નિયાથી ફોલ્કન-9 રોકેટ મારફત ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ રોકેટને એલન મસ્કની કંપની સ્પેસએકસે તૈયાર કર્યું છે.
આ ઉપગ્રહમાં એક ખાસ રડાર લગાવવામાં આવ્યું છે જેને ‘સરફેશ વોટર એન્ડ ઓશન ટોપોગ્રાફ’ નામ આપવામાં આવ્યું છે. વિશ્વના 70 ટકા ભાગોમાં ઉપલબ્ધ પાણીનુ માપ લઈ લેશે. જલવાયુ પરિવર્તનના પરિણામોમાં પણ મદદગાર સાબીત થશે. મીશન નિર્ધારિત રીતે આગળ વધે તો થોડા મહિનામાં ડેટા મોકલવા લાગશે અને તેના આધારે સંશોધન શકય બનશે.
- Advertisement -
નાસાના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે દરિયા વાયુમંડળની ગરમી તથા કાર્બન ડાયોકસાઈડને કેવી રીતે શોષી લ્યે છે તે જાણવાનો મુખ્ય ઉદ્દેશ છે. સમુદ્રમાં ઉઠતા મોજાની ઉંચાઈ અને અંતરને યોગ્ય રીતે માપવા ખાસ ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. સમુદ્ર વાતાવરણમાં ગરમીને પરત વાતાવરણમાં કયારે અને કેવી રીતે છોડે છે તેનું સંશોધન શકય બનશે. ખાસ રડાર બનાવવામાં 20 વર્ષનો સમય લાગ્યો હતો અને તેમાં માઈક્રોવેવ રડાર ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રડાર મારફત 21 દિવસમાં ઓછામાં ઓછી બે વખત ડેટા ઉપલબ્ધ બનશે.