મહેન્દ્ર ફળદુને મદદ કરનારને જ તેમણે પીઠમાં છરી મારી
મહેન્દ્ર ફળદુનાં વહીવટ સમજવામાં પોલીસને પણ નાકે દમ આવી ગયો
- Advertisement -
ફળદુનાં પરિવારજનો જો ખરેખર ન્યાય ઈચ્છતા હોય તો લેણિયાતોની તમામ રકમ તેમણે ચૂકવી દેવી જોઈએ
જ્યારે ફળદુને બજારમાંથી કોઈ નાણાં આપવા તૈયાર ન હતું ત્યારે એ બિલ્ડરે અનેક જગ્યાએ જામીન પડીને મિત્રભાવે એને પૈસા અપાવ્યા, યારોં કા યાર-દિલદાર એવાં આ બિલ્ડરને પછી જે-તે ધિરધાર ઉઘરાણી માટે ફોન કરતાં હતાં…
ખાસ ખબર સંવાદદાતા
- Advertisement -
મહેન્દ્ર ફળદુની આત્મહત્યાએ રાજકોટનાં જાહેરજીવનને અને બિલ્ડર લોબીને હચમચાવી નાખ્યાં છે. જ્યારે તેમણે આપઘાત કર્યો ત્યારે સૌ પ્રથમ તો સહાનુભૂતિનું વાતાવરણ ઉભું થયું હતું, ત્યારબાદ તેમની ઑડિયો ક્લિપ અને જે-તે વ્યક્તિને આપેલી નોટિસ વિશે જેમ-જેમ માહિતી બહાર આવતી ગઈ તેમ સહાનુભૂતિ પછી ગુસ્સામાં પરિવર્તીત થતી ગઈ. આત્મહત્યા અગાઉ મહેન્દ્ર ફળદુએ ઓછામાં ઓછા નવ લોકોને ઑડિયો ક્લિપ મોકલી હતી અને કદાચ સ્યુસાઈડ કરતા પહેલાં સવારે ત્રીસેક લોકોને લીગલ નોટિસ આપી હતી. આશ્ર્ચર્યની વાત એ છે કે, ચર્ચાતી વિગતો મુજબ તેમાંથી મોટાભાગનાં લોકોને ફળદુ પાસેથી પૈસા લેવાનાં હતાં. પરંતુ પોતાની વિદાય પછી પરિવાર હેરાન ન થાય એ માટે તેમણે વેલપ્લાન્ડ સ્યુસાઈડને અંજામ આપ્યો.
ઑડિયો-ક્લિપમાં ફળદુએ કુલ લગભગ 32 લોકોને પોતાનાં મોત માટે જવાબદાર ઠેરવ્યા છે. વાસ્તવિકતા એ છે કે, તેમની આત્મહત્યા માટે તેઓ સ્વયં જવાબદાર હતા. તેમનું નબળું આર્થિક મેનેજમેન્ટ અને વધુ પડતો પથારો જ તેમનો ભોગ લઈ ગયા. સૂત્રો જણાવે છે કે, ગમ્મે તેટલાં પૈસાનું દેવું હોય તો પણ મહેન્દ્ર ફળદુ છૂટથી ફરી શકે એવી તેમનામાં હિંમત હતી. પરંતુ જ્ઞાતિનાં વિવિધ સંગઠનોમાં, સંસ્થાઓમાં તેમનું સતત ઘટતું જતું કદ અને બગડતી જતી છાપ કદાચ તેઓ સહન ન કરી શક્યા. બાકી ફળદુએ મિત્રોનો દાટ વાળવામાં કંઈ બાકી રાખ્યું નથી.
ઉદાહરણ તરીકે જોઈએ તો મહેન્દ્ર ફળદુએ સૌથી વધુ સહાય કરનારા એક શેરબ્રોકર (વ્યવસાય બદલાવેલો છે)ને તેમણે ઑડિયો ક્લિપ મોકલી હતી કે, ‘તમે અમારાથી ખૂબ દૂર રહો છો, ખૂબ ખરાબ વર્તન કરો છો. આપની પાસેથી મેં જે રકમ લીધી હતી તેની સામે મેં ગીરમાં આપને જગ્યા લખી આપી છે. જસવંતપુરમાં પણ જગ્યા લખી આપી છે. છતાં તમે મને બદનામ કરવાનું ષડયંત્ર કરો છો.’
વાસ્તવિકતા એ છે કે, બહુ મોટી રકમ સામે મહેન્દ્ર ફળદુએ અડધી-પડધી રકમ જ ચૂકવી હતી. અને જે પ્રોપર્ટી લખી આપી હતી તેમાં તેનાં ભાગીદાર અમિત ચૌહાણનો હિસ્સો હતો. કમનસીબે અમિત ચૌહાણ ખાતેદાર ન હોવાથી ફળદુનાં આંધળા વિશ્ર્વાસે તેણે ફળદુનાં નામે આ જમીનમાં રોકાણ કર્યું હતું. જસવંતપુર અને ગીરની જમીન પણ ફળદુએ લેણીયાતને લખી આપી હતી. અને આ બંને જમીનમાં પણ અમિતનો હિસ્સો હતો.
અમિતનો હિસ્સો ફળદુએ તેને ન આપ્યો એવું અમિત ચૌહાણનું કહેવું છે. ફળદુનાં આર્થિક વ્યવહાર ઉકલતાં પોલીસ પણ બેહોશ થઈ ગઈ હશે. જ્યારે ફળદુને બજારમાંથી કોઈ નાણાં આપવા તૈયાર ન હતું ત્યારે એ બિલ્ડરે અનેક જગ્યાએ જામીન પડીને મિત્રભાવે એને પૈસા અપાવ્યા. યારોં કા યાર- દિલદાર એવાં આ બિલ્ડરને પછી જે-તે ધિરધાર ઉઘરાણી માટે ફોન કરતાં હતાં. નાછૂટકે બિલ્ડર પછી ફળદુને ફોન કરતાં હતાં. પરંતુ ફળદુએ તેમનાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. છેવટે તેમણે ફળદુનાં ઘેર જવું પડતું.
જો કે, મહેન્દ્ર ફળદુએ ઋણસ્વીકાર કરવાને બદલે જતાં-જતાં આ બિલ્ડરનાં નામની ઑડિયો ક્લિપ પણ બનાવી- જેમાં સાવ જ પાયા વગરનાં આરોપો અને આક્ષેપો કર્યાં. એમ પણ કહ્યું કે, ‘હું તમારા કારણે જ આત્મહત્યા કરી રહ્યો છું!’
બે જાણીતા શિક્ષણશાસ્ત્રીને પણ તેમણે ઘંટેશ્ર્વર નજીક જગ્યા વેંચી હતી. તેમાં પણ હવાલો હતો. એ જમીન પેટેના પૈસા ફળદુનાં એક લેણીયાતને આપવાનાં હતાં. પરંતુ શિક્ષણવિદ્દો જેટલાં પૈસાનું પેમેન્ટ કરતાં હતાં એ બધાં જ ફળદુ ખુદ જ રાખી લેતાં હતાં, પેલાં લેણીયાતને પહોંચાડતા ન હતાં. માત્ર આ કારણે જ પેલાં લોકોએ પેમેન્ટ રોક્યું હતું.
સરવાળે જોઈએ તો ફળદુની ઑડિયો ક્લિપ્સ અને લીગલ નોટિસ એક સ્ટન્ટથી વિશેષ કશું જ હોય તેવું લાગતું નથી. ટૂંકમાં કહીએ તો એમ કહી શકાય કે, જતાં-જતાં તેઓ અનેક નિર્દોષોનાં તપેલાં ચડાવતાં ગયા.
(સંપૂર્ણ)