ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
હોળી અને ધુળેટી પર્વનું આગમન થઈ રહ્યું છે તેમ, તેમ લોકોનો ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. તેવામાં જેમના વગર હોળી અને ધુળેટીની ઉજવણી અધૂરી છે તેવા ખજૂર, ધાણી-દાળિયા, હાડા અને પતાસાનું પણ રાજકોટની બજારોમાં આગમન થઈ ગયું છે. કારણ કે, હોળીના પર્વ પર વર્ષોથી ખજૂર અને દાળિયા ખાવાની પરંપરા છે, તેમજ હોલિકા દહન સમયે લોકો જયારે દર્શને જાય છે ત્યારે એ હોળીમાં ધાણી, ખજૂર અને દાળિયા પ્રસાદ રૂપે ખાસ આપવાનું ચલણ છે. આ સિવાય રમઝાન માસ ચાલતો હોવાથી મુસ્લિમ બિરાદરો રોજા છોડ્યા પછી ખજૂર આરોગે છે તેથી ખજૂર આ સમયે વધુ બજારમાં જોવા મળે છે. શિયાળામાં ભારે ખોરાકના કારણે શરીરમાં પિત્ત, કફ અને વાયુનું પ્રમાણ વધી જાય છે. ધાણી અને દાળિયા તેને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આમ, હોળી દરમિયાન ખાવામાં આવતી આ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ભાવની વાત કરીએ તો હાડા 80-100 રૂપિયા કિલો, પતાસા 80-100 રૂપિયા કિલો, ધાણી 80-90 રૂપિયા કિલો, દાળિયા 60-120 રૂપિયા કિલો અને ખજુર 80-200 રૂપિયા કિલોના ભાવે બજારમાં મળી રહ્યા છે.
હોળી આવી: ધાણી, દાળિયા, ખજૂર, પતાસા, હાડા લાવી… રાજકોટની બજારમાં ઠેર-ઠેર ધૂમ વેંચાણ
