– 230 જાતના દેશ-વિદેશના પક્ષીઓને રંગબેરંગી પતંગિયાઓનું વૈવિધ્ય, વનસ્પતિનુ સૌદર્ય, પહાડની રમણીયતા
– દર વર્ષે 75 જેટલી પ્રાકૃતિક શિક્ષણ શિબિર: ઓપન એર થીએટર, રહેઠાણ સહિતની સુવિધાઓ
- Advertisement -
રાજકોટ જિલ્લામા કુદરતે બનાવેલુ જંગલ એટલે હિંગોળગઢનો એક માત્ર ડુંગરાળ અભ્યારણ્ય , કે જે પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે એક રમણીય પર્યટનસ્થળ બની ગયુ છે. દર વર્ષે 20,000 જેટલા પ્રવાસીઓ આ અભ્યારણ્યની મુલાકાત લેતાં હોય છે. પ્રતિ વર્ષ 50 જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાતી હોય છે. જેના દ્વારા વન્ય જીવન વિશે વિદ્યાર્થીઓ વાકેફ થાય છે. તેમ હિંગોળગઢ અભ્યારણ્યના આર.એફ.ઓ. કે.પી. રામાણીએ જણાવ્યુ હતુ.
સૌરાષ્ટ્રના અનેક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તે જસદણ તાલુકામાં આવેલ આ અભ્યારણ્ય રાજકોટથી 78 કિ.મી. અને જસદણથી 18 કિ.મી.ના અંતરે આવેલું છે. સૌરાષ્ટ્રના સુક્કા પ્રદેશમાં હરિયાળો વિસ્તાર એટલે હિંગોળગઢ વન્યપ્રાણી અભ્યારણ્ય જયાં રેલવે અને સડક માર્ગ દ્વારા પહોંચી શકાય છે.
વન્ય પ્રાણી – પક્ષીઓનું વૈવિધ્ય, વનસ્પતિનુ સૌંદર્ય, પહાડની રમણીયતા ધરાવતા 654 હેક્ટરમાં ફેલાયેલ આ હિંગોળગઢ અભ્યારણમાં વિવિધ જાતના સાપ, 150 નીલગાય, 100 ચિંકારા, 30 શિયાળ, 8 જરફ વરૂ, લોકડી, સાબર, દીપડા, સસલા, માંકડા, શાહુડી, વગેરે વન્યપ્રાણીઓ જોવાનો લહાવો મળે છે તે અદભુત છે. વિદ્યાર્થીઓ ટ્રેકીંગ કેમ્પમાં ભાગ લઈ સવારે નવ કિ.મી. અને બપોરે ત્રણ કિ.મી. ડુંગરાળ જંગલમાં ભમવાનો આનંદ લૂંટે છે, તેમ અભ્યારણ્યમાં 30 વર્ષથી કાર્યરત શત્રુજ્ઞભાઇ જેબલે કહયુ હતું.
- Advertisement -
હિંગોળગઢ વન્યપ્રાણી અભ્યારણ્ય વર્ષોથી સર્પ પાર્કથી જ સુપ્રસિધ્ધ છે. સૌથી વધુ સહેલાણીઓ અને બાળકો સર્પ પાર્કથી આકર્ષિત થાય છે. સુવ્યવસ્થિત સાપ ધરો(કુવાઓ) બનાવવામાં આવ્યા છે, જેમાં ૧૪ પ્રકારના સાપો જોવાનો લ્હાવો અનોખો છે. દેશમાં જોવા મળતા તમામ પ્રકારના ઝેરી અને બિન ઝેરી સાપ અહીં ઉપલબ્ધ છે. ગાઈડ આ સાપો(બિન ઝેરી) હાથમાં લઈને આપણી સામે જે સાહસના કરતબો કરે છે તે રોમાંચ સાથે મનોરંજન અને માહિતી પણ આપે છે.
ડુંગરાળ, અસમતલ, નાની નાની ટેકરીઓવાળા હિંગોળગઢ અભ્યારણ્યમાં સર્પ પાર્ક ઉપરાંત કેક્ટ્સ પાર્ક, બોનસાઇ પાર્ક, સકુલન્ટ પાર્ક વગેરે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. થોડા સમય પહેલા નિર્માણ પામેલ કેકટસ હાઉસ રણ પ્રદેશના વિવિધ કાંટાળા છોડો (કેક્ટસ)તથા પ્રકૃતિને સમજવાની તક પૂરી પાડે છે. આ છોડ જડીબુટ્ટીઓમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે.
લીલી ચાદર ઓઢી પ્રકૃતિ પ્રેમીઓને બોલાવતા રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક શિક્ષણ માટે સુપ્રસિદ્ધ એક માત્ર હિંગોળગઢ અભ્યારણ્યમાં દર વર્ષે 20,000થી વધુ સહેલાણીઓ જંગલની સફારી કરે છે. કુદરતના ખોળે વિહરતા હરણ, રોઝડા, પંખીઓ વગેરેથી શોભતા હિંગોળગઢમાં જંગલનું સોંદર્ય ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. વર્ષાઋતુ ઉપરાંત શિયાળાની ઋતુમાં લીધેલી હિંગોળગઢની મુલાકાત વધુ આનંદદાયક બની રહે છે. શિયાળા અને ચોમાસામાં ૨૩૦ થી પણ વધુ પ્રકારના દેશ વિદેશના પંખીઓ અને રંગબેરંગી પતંગિયા જોવાનો આહલાદક અનુભવ વનપ્રેમીઓને રોમાંચિત કરી મૂકે છે. દર મંગળવારે આ અભ્યારણ બંધ રહે છે.
વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે આ અભયારણ્ય સવારે 10 થી સાંજે 6 સુધી ખુલ્લું રહે છે. આ અભ્યારણમાં આધુનિક ઓપન એર થિયેટર પણ બનાવાયું છે. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ વાઈલ્ડ લાઈફની ફિલ્મો દેખાડવામાં આવે છે. અહીં ગોરડ, વિકળો, દેશી બાવળ, ગુગળ, લીમળા, પીપળા સહિતના વૃક્ષો આ અભયારણ્યને લીલુછમ્મ રાખે છે.
હિંગોળગઢ અભયારણ્યને “પ્રાકૃતિક શિક્ષણના” અભ્યારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં પ્રાકૃતિક શિક્ષણનું વિશેષ મહત્વ છે. દર વર્ષે આ અભ્યારણ્ય ખાતે 50 થી 75 પ્રાકૃતિક શિક્ષણની શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં સરેરાશ 2500 થી 3750 વિદ્યાર્થીઓ અને 150થી વધુ શિક્ષકો સામેલ થાય છે. તમામ શિબિરનો સમયગાળો 2 રાત અને 3 દિવસનો હોય છે જેમાં 50 વિદ્યાર્થીઓ અને ઓછામાં ઓછા 2 શિક્ષકોનો સમાવેશ કરવામાં આવે છે.
સો વિદ્યાર્થીઓના રહેઠાણ માટે 10 હટ (રૂમ), આર.ઓ. પ્લાન્ટ, રસોડા, ૫ બર્ડ વ્યુ પોઇન્ટ, સીટીંગ એરીયા સહિતની તમામ સગવડ સ્થળ ઉપર વિકસાવવામાં આવી છે. આ અભ્યારણ્યમાં 80 જેટલી તકતીઓ લગાવાઈ છે જેમાં વન્યપ્રાણી અને અભ્યારણ્યની વિશેષતાઓની વિગતો લોકોના અભ્યાસ માટે મુકવામાં આવી છે.
ગુજરાત રાજ્યના વન વિભાગ હસ્તક રહેલા આ વનને 1980માં વન્ય પ્રાણી અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ, જેના વ્યવસ્થાપન અને વિકાસની કામગીરી ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન અને રીસર્ચ, ગીર ફાઉન્ડેશન સંસ્થાને 1984 થી સોંપવામાં આવી છે.
આ અભ્યારણ્ય નજીકમાં હિંગોળગઢ કિલ્લો, હેરીટેજ મ્યુઝિયમ, બિલેશ્વર મહાદેવ, ધેલા સોમનાથ મહાદેવ, સાળંગપુર જેવા પ્રખ્યાત ધાર્મિક મંદિરો પણ આવેલાં છે.
હિંગોળગઢ અભ્યારણ ખાતે જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ
હિંગોળગઢ અભ્યારણ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહનો કાર્યક્રમ સામાજિક વનીકરણ વિભાગ રાજકોટના ડી.સી.એફ. ડો.તુષાર પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ વન્ય પ્રાણી સપ્તાહમાં બાળકોને પ્રકૃતિ શિક્ષણ આપવા સવારમાં ટ્રેકિંગ કરાવાયુ હતું. જંગલમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ તથા વન્ય પ્રાણી સપ્તાહ દિવસની ઉજવણીના હેતુ વિશે માહિતી અપાઈ હતી. વન્ય પ્રાણીઓ વિશે પ્રશ્નોત્તરીની સ્પર્ધા યોજી પ્રથમ, દ્વિતીય અને દ્વિતીય નંબર આવેલ વિદ્યાર્થીઓને પુસ્તકોથી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ થકી બાળકોને અને સમાજને લુપ્ત થતી પ્રજાતિઓનો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવાની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એસીએફ પટેલ, સામાજિક વનીકરણ રેન્જ વિંછીયાના આર.એફ.ઓ રાઠવા, હિંગોળગઢ અભ્યારણ્યના આરએફઓ કે.પી. રામાણી, શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, ગુંદાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો, વન વિભાગના કર્મચારીઓએ ભાગ લીધો હતો.