લોધિકા તાલુકાના રાવકી ગામે રૂ.18.92 કરોડના 19 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજયના મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ કર્યુ હતુ.
આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે રાજકોટ, કોટડા સાંગાણી અને લોધિકા તાલુકાના લોકોની માંગણીના પગલે આ વિસ્તારના માર્ગ મકાનના રસ્તા બનવા જઈ રહ્યા છે. આ કામ ગુણવત્તાયુક્ત અને નિયત સમય મર્યાદામાં થાય તેની ગામના આગેવાનોએ સાવચેતી રાખવી જરૂરી છે.. સરકારની વિવિધ યોજનાના લાભો અબાલ વૃધ્ધોને, દરેક વર્ગના લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કામ થઈ રહ્યાં છે. લોકોના આરોગ્ય- સુખાકારી માટે પી.એમ. આયુષમાન કાર્ડ, ગંગા સ્વરૂપા- નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, જૂની સરતના જમીનના હુકમો વગેરે દ્વારા લોધિકા વિસ્તારના નાગરિકોને રાજ્ય સરકારના યોજનાકીય લાભો અપાયા છે.
- Advertisement -
સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓના અનેક લોક ઉપયોગી કામ થઈ રહ્યા છે. લોકોના પ્રશ્નોનું નિરાકરણ થઈ રહ્યું છે. કલેકટર પ્રભવ જોશીએ કહયું હતું કે, સરકાર દ્વારા નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના 850થી વધુ લોકોને નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવી અપાઈ છે.
- Advertisement -
આ તકે સરકારી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રીના હસ્તે રૂ. 18.92 કરોડના ખર્ચે મવડી-પાળ- માખાવડ, તેમજ સ્ટેટ હાઇવેથી રાવકી-હરીપર-તરવડા રસ્તાઓના ખાતમુહુર્ત તેમજ નેશનલ હાઈ-વે થી થઈને કાંગસિયાળી, ઢોલરા, વીરવા, માખાવડ ગામો સુધીના રસ્તાના રીકાર્પેટ, ચાંદલી પંચાયત ઘરનું લોકાર્પણ, હરીપળ પાળની ગ્રામ પંચાયત કચેરીનું ખાતમૂર્હુત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે આજે ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓના કારણે આવનાર સમયમાં રાજકોટ અને લોધિકા તાલુકાના 70 જેટલા ગામોને પરિવહનની પુરતી અને અલાયદી સુવિધા પ્રાપ્ત થશે અને પ્રજાના સમયની બચત થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, સરપંચ વિશાલ ફાચરા, માર્કેટ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોધરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રાંત અધિકારી વિવેક ટાંક, કાર્યપાલક ઇજનેર સંદિપ મહાલા, તાલુકા વિકાસ અધિકારી પી.આર. સિંધવ, મામલતદાર, અગ્રણી મોહનભાઇ દાફડા, મનોજભાઇ રાઠોડ, અલ્પાબેન તોગડિયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.