દિલ્હીમાં જોરદાર પવન સાથે હળવો વરસાદ પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક
આગામી ચાર દિવસમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
બુધવારની સાંજે ગરમીથી ધગધતાં દિલ્હીમાં જોરદાર પવન સાથે હળવા વરસાદની સાથે કરા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ પડતાં વાતાવરણ ગુલામી થઈ જવા પામ્યું હતું અને લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી હતી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર, ગુરૂવારે પણ હવામાન કંઈક આવું જ રહેવાની સંભાવના છે. આકાશ વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. જો કે શુક્રવારથી તાપમાનમાં ફરી વધારો થશે. સોમવારે ગરમીના પ્રકોપથી થોડી રાહત મળશે પરંતુ મંગળવારે ફરીથી ગરમીનો પારો વધી જશે.
આ ઉપરાંત હવામાન વિભાગે દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ જણાવી છે. દેશમાં દક્ષિણ આંદમાન અને બંગાળની ખાડીના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરતાં હવામાન વિભાગે જણાવ્યું છે કે અમે 6 મેની આસપાસ દક્ષિણ આંદમાન સમુદ્રમાં અને તેની આસપાસ નીચા દબાણનો વિસ્તાર બનવાની અપેક્ષા રાખીએ છીએ. ત્યારબાદ લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 48 કલાક બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. આગામી ચાર દિવસમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.