હેલ્થ IDમાં વ્યક્તિની સેકસ લાઈફ અંગેનો પણ ડેટામાં સમાવેશ થશે
દરેક નાગરિક માટે યુનિક હેલ્થ આઈડી સાથે ડિજીટલ હેલ્થ ઈકોસીસ્ટમ ઉભી કરવાના હેતુથી કેન્દ્રએ નેશનલ ડીજીટલ હેલ્થ મીશન માટે હેલ્થ ડેટા મેનેજમેન્ટ પોલીસીનો પ્રસ્તાવના જારી કરી છે.
મુસદા નીતિમાં વ્યક્તિગત અને સેન્સીટીવ પર્સનલ ડેટાના સલામત પ્રોસેસીંગ માટે માળખું ઘડવાની દરખાસ્ત છે. મુસદામાં સેન્સીટીવ પર્સનલ ઈન્ફોર્મેશન પર્સનલ હેલ્થ રેકોર્ડસ અને હેલ્થ લોકર જેવી મહત્વની બાબતોની વ્યાખ્યા આપવામાં આવી છે.
સેન્સીટીવ (સંવેદનશીલ) પર્સનલ ઈનફોર્મેશનમાં વ્યક્તિ પાસેથી તેમની સેકસ લાઈફ, સેકસ્યુલ ઝુંકાવ, જ્ઞાતિ, ધર્મ અથવા રાજકીય સંલગ્નતા તેમજ જીનેટીક અને બાયોમેટ્રીક ડેટા સહિતની માહિતી એકત્ર કરી શકાશે. એવી જ રીતે બેંક એકાઉન્ટ અને ક્રેડીટ કે ડેબીટ કાર્ડ અથવા અન્ય પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ ડિટેલ્સ, શારીરિક શરીરશાસ્ત્રીય અને માનસિક આરોગ્ય ડેટા, મેડીકલ રેકોર્ડસ અને ઈતિહાસ; ટ્રાન્સજેન્ડર સ્ટેટસ, ઈન્ટરસેકસ સ્ટેટસ અને જુદી જુદી આરોગ્ય સ્થિતિ અને સારવાર સંબંધી ડેટાનો પણ સમાવેશ થશે.
ડ્રાફટ મુજબ નીતિને અનુરૂપ માહિતી એકત્ર કરી શકાશે. સરકારે 3 સપ્ટેમ્બર સુધીમાં લોકો પાસેથી આ મુસદા મામલે કોમેન્ટસ-અભિપ્રાય માંગ્યા છે.
જો કે આ ડેટાની માલિકી વ્યક્તિ પાસે જ રહેશે. વળી, વ્યક્તિની સંમતીથી જ આવા પર્સનલ ડેટા મેળવાશે. એક વખત સંમતી આપી હોય તો પાછળથી તે પોતાની સંમતી પાછી ખેંચી શકશે અથવા પર્સનલ ડેટા શેરીંગ મર્યાદીત કરી શકશે.