જૂનાગઢમાં 41 ડિગ્રી પારો ઉંચકાતા લોકો ભારે ગરમીથી અકળાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ જિલ્લા છેલ્લા બે દિવસથી 40 થી 42 ડિગ્રી પારો ઉચકાતા લોકો ભારે ગરમીના કારણે અકળાઈ ઉઠ્યા છે.ત્યારે તંત્ર દ્વારા ગરમી શું કરવું જોઈએ તેના માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જૂનાગઢ ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ખેતરમાં કામ કરતા શ્રમિકો, રોડકામ કરતા તથા બાગ બગીચાનું કામ કરતા શ્રમિકોને સન-સ્ટ્રોક (લૂ) લાગવાની શકયતા ઘણી વધારે રહેલી છે.
- Advertisement -
દર્દીને જયારે સન સ્ટ્રોક લાગે ત્યારે તેને માથું દુ:ખવું, પગની એડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી ઉબકા આવવા, ચક્કર અને આંખે અંધારા આવી જાય, બેભાન થઇ જવું વગેરે પ્રારંભિક લક્ષણો જોઈ શકાય છે. અતિ ગંભીર કિસ્સામાં દર્દીને ખેંચ પણ આવી શકે છે.દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું. તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શકય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. દિવસ દરમ્યાન ઠંડકવાળી જગ્યાએ અને છાયામાં રહેવું જોઈએ.
ગરમીની ઋતુમાં સફેદ રંગના સુતરાઉ કાપડના ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા જોઈએ. ટોપી, ચશ્મા, છત્રીનો મહત્તમ રીતે ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. તેમજ બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો.આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગરમીની ઋતુમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું જોઈએ. રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી જોઈએ. આ ઉપરાંત તરબુચનું દરરોજ સેવન કરવું જોઈએ. જયારે લૂ લાગવાના કિસ્સામાં તાત્કાલિક રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ.