33.6 કરોડ પેપરશીટ, 2700 કરોડ રૂપિયા બચશે
દુબઇ સરકારે માત્ર 3 વર્ષમાં સરકારી કચેરીઓ પેપરલેસ કરી બતાવી
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વમાં પહેલીવાર દુબઇ સરકારનું સંપૂર્ણ કામકાજ પેપરલેસ થશે. દુબઇની 45 સરકારી કચેરીઓમાં હવે તમામ પ્રકારનું કામકાજ કાગળો વિના થશે. આ કચેરીઓ 1,800થી વધુ ડિજિટલ સેવાઓ અને 10,500થી વધુ મુખ્ય લેવડદેવડ કરે છે. પેપરલેસ ગવર્નન્સને કારણે વાર્ષિક 33.6 કરોડ પેપરશીટની બચત થશે. સાથે જ દુબઇ સરકારને અંદાજે 2,700 કરોડ રૂપિયાની અને અંદાજે 14 લાખ માનવ કલાકની પણ બચત થશે.
દુબઇએ વિશ્વની પ્રથમ પેપરલેસ સરકાર બનવા 2018માં કવાયત હાથ ધરી હતી. દુબઇના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તૂમે પેપરલેસ ગવર્મેન્ટની શનિવારે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે આ દુબઇની વિકાસયાત્રાના દરેક ક્ષેત્રમાં જીવનને ડિજિટલ બનાવવાની દિશામાં એક નવા તબક્કાની શરૂઆત છે. અમે અમિરાતના લોકોને સંપૂર્ણપણે ડિજિટલ લાઇફ પૂરી પાડવા તત્પર છીએ. આગામી 5 દાયકામાં ડિજિટલ યાત્રા ભવિષ્યની સરકારોને એક સંપન્ન સ્માર્ટ સિટીના નાગરિકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સક્ષમ અને સશક્ત બનાવશે. પેપરલેસ દુબઇ માટેની રણનીતિ 5 તબક્કામાં લાગુ કરાઇ હતી અને દરેક તબક્કામાં દુબઇ સરકારના થોડા-થોડા વિભાગોને પેપરલેસ કરાયા હતા.