ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની ચકાસણી પુના નહીં હવે ગાંધીનગર સ્થિત GBRCમાં જ કરવામાં આવશે, હેલ્પલાઇન નંબરની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાઇ
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે ધીરે ધીરે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ સામે આવી રહ્યા છે. આ તરફ હવે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલ પગલાં અંગે સમીક્ષા કરી હતી. આ સાથે હવે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.
- Advertisement -
ગુજરાત રાજ્યના 30 સહિત કુલ 33 શંકાસ્પદ કેસો વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા વાયરસ) ના મળી આવ્યા છે. આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે કુલ 15 મૃત્યુ નોંધાયા છે. અહીં ખાસ નોંધનીય છે કે, અગાઉ સેમ્પલને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ માટે પુના મોકલવામાં આવ્યા હતા. જેમાંથી સાત સેમ્પલના પરિણામ આવ્યા તો 6 સેમ્પલ નેગેટીવ અને ફક્ત એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસ પોઝીટીવ નોંધાયો છે. આ તરફ હવે ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની ચકાસણી પુના નહીં હવે ગાંધીનગર સ્થિત GBRCમાં જ કરવામાં આવશે.
નોંધનિય છે કે, અત્યાર સુધી આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવતા હતા. આ સેમ્પલનું પરિણામ આવતા અંદાજિત એક સપ્તાહ જેટલો સમય લાગતો હતો. જોકે હવે આ સુવિધા ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં ઉભી કરાઈ છે. જેને લઈ હવે ચાંદીપુરા વાયરસનું ઝડપથી નિદાન થાય અને સારવાર કરી શકાય.
તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા વાયરસ)ના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ચાંદીપુરાના વધતા કેસોએ ચિંતાની સ્થિતિ પેદા કરી છે. ખાસ કરીને બાળકો આ રોગની ઝપટમાં આવીને મોતને ભેટી રહ્યા છે. જેથી અમદાવાદ ગ્રામ્યના DEO દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાઓને સતર્કતા વર્તવા સૂચના આપવામાં આવી છે. DEO દ્વારા બાળકોના વાલીઓને પણ આ વાયરસને લઇને જાગૃત કરવા સૂચના અપાઇ છે.
ગુજરાતમાં અત્યાર સુધી ચાંદીપુરાથી 15 બાળકોના મૃત્યુ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે. સાબરકાંઠાથી સામે આવેલા કેસ બાદ રાજ્યમાં ગામડે ગામડે આ રોગના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા બાદ હવે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ગામોમાં પણ બાળકોમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યાં છે, અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે રાજ્યમાં ચાંદીપુરાથી મોતનો આંકડો 15 સુધી પહોંચી ચૂક્યા છે અને હજુ પણ વધવાની શક્યતા છે.
સુરેન્દ્રનગરનાં પાટડીમાં બાળકીનું મોત
સુરેન્દ્રનગરનાં પાટડીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત થયું હતું. સારવાર માટે ખસેડાયેલી 5 વર્ષની બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. 5 વર્ષની બાળકીનાં મોત બાદ આરોગ્ય વિભાગનાં અધિકારીઓમાં દોડઘામ મચી જવા પામી હતી. બાળકીમાં ચાંદીપુરા વાયરસનાં લક્ષણો હોવાનું તબીબોએ જણાવ્યું હતું કે, બાળકીને ઝાડા-ઉલ્ટી અને પેટમાં પીડાનાં લક્ષણો જોવા મળ્યા હતા. બાળકીનાં મોત બાદ આરોગ્ય વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો હતો.
જામનગરમાં ચાંદીપુરાનાં શંકાસ્પદ બાળ દર્દીનું મોત
જામનગર જીલ્લામાં ચાંદીપુરાનાં શંકાસ્પદ બાળ દર્દીનું મોત થયું હતું. જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાનાં શંકાસ્પદ 3 કેસ નોંધાયા છે. આઈસીયુમાં સારવાર હેઠળનાં 1 બાળકનું મોત થયું હતું. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા નમૂનાં લેવામાં આવ્યા હતા.
વડોદરાનાં સાવલીની 6 વર્ષની બાળકીનું મોત
વડોદરાનાં સાવલીની 6 વર્ષની બાળકીનું મોત થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીનું મોત કયાં કારણોસર થયું તે જાણવા માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આવતા બાળકીનું મોત ચાંદીપુરા વાયરસને લીધે થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તેમજ હજું મૃત્યું પામેલા 4 બાળકોનો રિપોર્ટ આવવાનો બાકી છે.
શું છે આ ચાંદીપુરા વાયરસ ?
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.