પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
પુસ્તકો ન વાંચનારા માણસો પુસ્તકો નહિ વાંચી શકનારા માણસો કરતાં જરાય બહેતર નથી જ.
– માર્ક ટવેઇન
- Advertisement -
પુસ્તકો તો મારા માટે લખવાનો એવરગ્રીન સબ્જેક્ટ છે તો આજે વાત છેલ્લા થોડાક સમયમાં મેં વાંચેલા અને મને અત્યંત ગમેલા પુસ્તકોની:
વિશ્વામિત્ર: વેદકાળની નવલ
બાબુભાઇ પ્રાણજીવન વૈદ્યે લખેલી આ નવલકથા આમ જોઈએ તો ગુજરાતીની ઉત્કૃષ્ટ પૌરાણિક નવલોમાંથી એક છે એમ કહું તો ખોટું નથી. શ્રીરામના ગુરુ તરીકે, વસિષ્ઠ સાથેના મતભેદના લીધે અથવા મેનકા દ્વારા તપોભંગ થવાના લીધે લોકો જેમને સૌથી વધારે જાણે છે તેવા આપણા વેદકાલીન મહર્ષિ વિશ્વામિત્ર પર લખાયેલી આ એક પ્રમાણભૂત નવલકથા છે. આ પુસ્તક વાંચતા વાંચતા લેખકે તેમાં લીધેલી જહેમત નજરે ચડે છે. સામાન્ય રીતે પૌરાણિક કથાઓમાં ચમત્કાર, દેવો, રાક્ષસો, વરદાન તથા શ્રાપ વિશે ઘણું હોય છે પણ આ નવલમાં કથાકારે વાર્તાને શક્ય તેટલી વાસ્તવિક રાખી છે તેથી ચમત્કાર નહી પણ કલ્યાણ કરનાર મહર્ષિ વિશ્વામિત્ર તરીકે મુખ્ય પાત્ર આપણા મનમાં સ્થાન બનાવે છે, તેની સાથે કથામાં તે સમયે થતો પ્રજાઓનો સંઘર્ષ, બધી પ્ર્જાઓને સાથે લઈને ચાલવાનો લોકશાહીના પાયા જેવો આદર્શ, કુદરતી આફતો સમયે માણસોમાં જોવા મળતી ક્રૂરતા અને કરુણા, વગેરેને દર્શાવતા ઘણા મુદ્દાઓ લેખકે આવરી લીધા છે કે જે તેમની લેખકે તરીકે ની કુશળતાનો પુરાવો છે.
ચમત્કારને નમસ્કાર
હજી ઉપરોક્ત પુસ્તકમાં જ વાત કહી કે ચમત્કારો કરતાં લોકકલ્યાણ કરતા લોકો સાચા સંત છે. તેમાં તો વેદકાલીન પૃષ્ઠભૂમિ હતી આપણે એટલે તે હજુ આપણા સાંપ્રત સમય સાથે રીલેટ ન કરી શકીએ પણ ,પત્રકાર સુરેશ સોમપુરાએ પોતાના અનુભવો પરથી લખેલી આ નવલકથામાં આત્મા હોય કે નહિ; તંત્રવિદ્યા ખરેખર કારગર સાબિત થાય કે નહિ; સાધુ કેવા હોય કે હોવા જોઈએ ? – આવા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો આ વિષય પર ગોલીબારે ઘણીં હોરર નવલકથાઓ લખી જ છે પણ આ નવલ વાસ્તવિકતા પર આધારિત છે અને સૌથી મહત્વની વાત કે આમ લેખકે એક મહત્વના સવાલનો જવાબ આપવાની કોશિશ કરી છે – આ કહેવાતા તાંત્રિકો કે માંત્રિકો ખરેખર બીમારોને સજા કરવામાં, ગરીબોને ધન આપવામાં કે ભ્રષ્ટ લોકોને મારવામાં કે સમાજકલ્યાણ કરવામાં પોતાની વિદ્યાનો ઉપયોગ કેમ કરતા નથી? લેખક એક સમયે ખરેખર આ બધા પ્રશ્નો ઉત્તર મેળવવા એક એવા મહારાજની શરણે જતા રહેલા હતા અને તે સમયના અનુભવો પર આધારિત આ નવલકથા છે.
- Advertisement -
વિરામ:
“આપણે શું બનવા માંગીએ છીએ તે આપણી યોગ્યતા નહી પણ આપણા નિર્ણયોથી નક્કી થાય છે.”
પુસ્તકોમાંથી મને ગમેલા એવરગ્રીન ક્વોટ્સમાંથી એક એવું આ ડમ્બલડોર હેરી પોટરના બીજા ભાગમાં કહે છે.
શ્રેષ્ઠ શિકારકથાઓ:
અંગ્રેજીમાં જિમ કોર્બેટ, કેનેથ એન્ડરસન કે હિન્દીમાં શ્રીરામ શર્માએ રોમાંચક શિકારકથાઓ લખી છે. પ્રાણીઓના શિકાર પર જોઝ, રેવેનન્ટ, ધ ગ્રે કે કાલ, શેરદિલ જેવી ફોલ્મો હોલીવુડ તથા બોલીવુડમાં બની છે પણ ગુજરાતીમાં આવી કહાણીઓ ઓછી જોવા મળે છે તેમાં કનૈયાલાલ રામાનુજે સર્જેલ પહેલાના શિકારીઓના અનુભવ પર આધારિત આ કથા સંગ્રહ એક મસ્ત વાંચન અનુભવ આપી શકે. લેખકે કહેલી શિકારકથાઓમાં ઘણું વૈવિધ્ય છે. એક તરફ આદમખોર દીપડાના શિકારની વાત છે તો બીજી તરફ એક પાગલ હાથીના શિકારની પણ વાત છે, એક વાર્તામાં લેખક અજગરના ભરડાની વાત કરે છે તો બીજીમાં એક કિંગ કોબ્રા કોબ્રા જંગલી કુતરાઓના સકંજામાં કેમ સપડાયો તેની પણ વાત છે. આગ ઓકતા ઝાડ, વાઘ બની જતા સાધુ કે પાગલ ગેંડા વિશેની વાતો ખુબ જ આશ્ચર્ય પમાડે તેવી છે. કિશોર સાહસકથાઓના દુકાળમાં આપણા વારસાની આ ચોપડી કિશોરો માટે વાંચનયાત્રા શરુ કરવાનું એક મસ્ત સ્ટાર્ટર પેક બની શકે.
કાળો પહાડ
સાગરકાંઠાની સાહસકથાઓ અને તેમાં પણ ખાસ ’દરિયાલાલ’ નવલ માટે પ્રખ્યાત એવા ગુણવંતરાય આચાર્યે પોતાની વાર્તાઓમાં ગુજરાતી પ્રજાને પરપરંપરાગત માન્યતાઓથી વિપરીત સાહસિક અને ખમીરવંતી બતાવી છે. આવા લેખક ટારઝન કે મોગલીની વાર્તા જેવી થીમ પર વાર્તા લખે તો અને તે વાર્તા પાછી સાવ કાલ્પનિક નહી પણ ગીરના જંગલના માલધારીઓની એક લોકવાયકા પર આધારિત હોય તો તે વાંચવાની કેવી લિજ્જત પડે! સિદ્દી સમુદાયના એક અનાથ બાળક પર લખયેલી આ કથા ચોક્કસ એક થ્રિલ રાઈડ બનશે તમારા માટે.
પૂર્ણાહુતિ:
આપણા વારસામાં રહેલા વિખ્યાત મહાસર્જનો જેવા કે મહાભારત, પંચતંત્ર, વિક્રમ વેતાળ, બત્રીસ પૂતળીની વાર્તા, વગેરેમાં વાર્તાલાપ અને પ્રશ્નોત્તરીનો મહિમા ગવાયો છે તો આપણી અત્યારની શિક્ષણપદ્ધતિ રૃઢિજડસુ, સરમુખ્ત્યારવાદી, એકપક્ષીય કેમ બની તેના પર ચતુર કરો વિચાર!
– સિદ્ધાર્થ રાઠોડ