કોર્પોરેશન હવે અનામત પ્લોટની 15% જમીનનું વેંચાણ કરી શકશે: અત્યાર સુધી 10 ટકાની મર્યાદા હતી
આડેધડ હેતુફેર પર રોક: મહતમ 25 ટકાની મર્યાદામાં જ અનામત જમીન અન્ય કે હેતુમાં વાપરી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ટાઉન પ્લાનીંગ (ટીપી( સ્કીમ ફાઈનલ થઈ ગયા બાદ અનામત પ્લોટનાં આડેધડ હેતુફેર સામે હવે રાજય સરકાર દ્વારા નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. કોર્પોરેશન-સતા મંડળોને અનામત જથ્થામાંથી વધુ જમીનના વેચાણની છુટ આપવામાં આવી છે. ઉપરાંત હેતૂફેર પર મર્યાદા મુકવામાં આવી છે.
રાજય સરકારનાં શહેરી વિકાસ તથા શહેરી આવાસ મંત્રાલય દ્વારા નવો પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ટીપી સ્કીમનાં અનામત પ્લોટમાં ઊમેરા-બાદબાકી માટે 25 ટકાની મર્યાદા મુકવામાં આવી છે.
- Advertisement -
શહેરી વિસ્તારોમાં ગાર્ડન, મેદાન, પાર્કીંગ, સ્કુલ, શહેરી વનીકણ જેવા હેતુસર અનામત રાખવામાં આવતા પ્લોટમાં ટીપી ફાઈનલ થાય અથવા પ્રાથમીક મંજુરી મળે ત્યારબાદ હેતુફેર કરી દેવાતા હોય છે.
રાજય સરકારનાં એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ટીપી સ્કીમમાં જમી માલીકો પાસેથી 40 ટકા જમીન સંપાદીત કરી લેવાતી હોય છે. આ જગ્યામાંથી 15 ટકા રસ્તા માટે રાખવામાં આવે છે અને બાકીનો 25 ટકા હિસ્સો પણ ગાર્ડન, શહેરી, ગરીબો માટે આવાસ પાર્કીંગ, સ્કુલ, મેદાન જેવી સામાજીક-કલ્યાણકારી સુવિધાઓ માટે અનામત રાખવામાં આવતા હોય છે.
ઉદાહરણ તરીકે ફાઈનલ પ્લોટમાં ગાર્ડન માટે 1 લાખ મીટરનો પ્લોટ અનામત રાખવામાં આવ્યો હોય તો જરૂર પડયે તેમાંથી મહતમ 25 ટકા અર્થાત 25000 મીટર જગ્યાનો જ હેતુફેર થઈ શકશે. સુત્રોએ કહ્યુ કે કોર્પોરેશન-સતામંડળો દ્વારા હેતુફેર માટે વારંવાર સરકારને દરખાસ્ત કરવામાં આવે છે. વારંવાર ફાઈનલ ટીપીમાં સુધારા માટે પણ દબાણ કરવામાં આવે છે તે રોકવા આ કદમ ઉઠાવાયું છે. નવા નિયમ મુજબ અનામત જમીનનાં મોટાભાગનો ઉપયોગ નિશ્ચિત હેતુ માટે જ કરવો પડશે. સામાન્ય રીતે કોર્પોરેશન નોન-ટીપી વિસ્તારમાંથી જમીન પસંદ કરીને ટીપી સ્કીમનો મુસદો ઘડે છે સરકાર ટીપી અધિકારી નિયુકત કરે છે કોર્પોરેશને કોઈ સુધારા કર્યા હોય તો તેની ચકાસણી કરીને સ્કીમને પ્રાથમીક મંજુરી અપાય છે અને પછી આખરી સ્વીકૃતિ મળે છે. નિયમ પ્રમાણે ફાઈનલ ટીપી સ્કીમમાં સુધારા માટે નવી દરખાસ્ત કરવી પડે છે અને તે માટે સરકારી મંજુરી આવશ્યક છે. સુધારા માટે સરકારને વારંવાર દરખાસ્ત થતી હોવાથી નવો પરિપત્ર ઈસ્યુ કરાયો છે. દરમ્યાન નવા નિયમોમાં સરકારે મહત્વનો ફેરફાર કર્યો છે. કોર્પોરેશન-સતામંડળો અનામતની વધુ જમીન વેચાણ કરી શકશે હવે 10 ને બદલે 15 ટકા જમીન વેંચી શકાશે.જેનો અર્થ એવો થાય છે કે ટાઉન પ્લાનીંગ સ્કીમમાં અનામત હિસ્સામાંથી હવે 10 ને બદલે 15 ટકા જમીન વેંચાણ માટે રાખી શકાશે. હાઉસીંગ કે કોમર્સીયલ હેતુસર વેંચી શકાશે.