ચૂંટણી અદાવતમાં પટેલ યુવાનના લમણે બંદૂક રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ તાલુકાના રીબડા ગામે મોડી સાંજે પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે તણખલાં ઝરતાં મામલો બિચક્યો હતો અને જિલ્લાભરની પોલીસ રીબડા અને ગોંડલ ખાતે ગોઠવાઈ ગઈ હતી. રીબડા, ગુંદાસરા અને સડક પીપળિયા ગામના લોકો ગોંડલ જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને દોડી આવતાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી. જ્યારે એક દિવસ અગાઉ રીબડા ગામમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હાજરીમાં પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જે કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ રીબડા જૂથ પર આકરા પ્રહાર કર્યા હતા. એના બીજા જ દિવસે પટેલ યુવક પર હુમલાની ઘટના ઘટી હતી, જેથી હાલ મામલો ગરમાયો છે. એની વચ્ચે આજે ગુરુવારના રોજ રીબડામાં સાંજે મહાસંમેલન યોજાવાની જાહેરાત જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા અમિત ખૂંટ નામના યુવાને જણાવ્યું હતું કે મારા લમણે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ સહિતના લોકોએ બંદૂક રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંદૂકની નાળ ત્રણ-ચાર વખત છાતીમાં મારી ધાકધમકી આપવામાં આવી હતી, જેથી વ્યતીત બનેલા રીબડા સડક પીપળિયા અને ગુંદાસરા સહિતનાં ગામોના લોકોનું મોટું ટોળું સાંજના રજૂઆત કરવા માટે જયરાજસિંહ જાડેજાના ઘરે દોડી આવ્યું હતું.
આ તકે ડીવાયએસપી ઝાલા સહિતનો બહોળી સંખ્યામાં પોલીસકાફલો પણ પહોંચ્યો હતો. ત્યારે જયરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે સાંજે 7:00 વાગ્યે રીબડા ખાતે મહાસંમેલન બોલાવવામાં આવશે અને એની સાથે રમેશ ટિલાળા પણ જોડાશે તેમજ રીબડાના શખસો દ્વારા જેપણ કાંઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કડકમાં કડક પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. રીબડા ગામે રહેતા અમિત ખુંટે માજી ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાના દીકરા અને તેના પૌત્ર સહિતના સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમિત ખુંટનું કહેવું છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં મત આપવાનું મને કહ્યું હતું. જે કામ ના કર્યું હોવાથી ખાર રાખી મારી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે ફરિયાદના આધારે રાજદીપસિંહ જાડેજા, સત્યજિતસિંહ જાડેજા, દાઢી બાપુનો દીકરો લાલભાઈ, અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, જીજી બાપુના દીકરા ટીનુભા જાડેજા, ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ 323, 506(2), 114, 341, 504 આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.
- Advertisement -
આ લોકોની ગુંડાગીરી નાબૂદ કરીશ એ મારી ચેલેન્જ છે : જયરાજસિંહ
આ ઘટના બાદ જયરાજસિંહ જાડેજાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રીબડા ગામના લેઉઆ પટેલ સમાજના યુવાન કાર્યક્રતાઓ અને આગેવાનોએ સામૂહિક નક્કી કર્યું હતું કે આ વખતે ભાજપને મત આપવો છે અને તે લોકોએ ભાજપને મત આપ્યા. રીબડામાં આઝાદી પછી સ્વૈચ્છિક મતદાન પ્રથમ વખત થયું છે, જે વાત આ લોકોને સારી ના લાગી અને તેમના કહ્યાથી વિરુદ્ધ જઈ મત આપ્યા અને યુવાનોએ મને 212 જેટલા વોટ આપ્યા. તેમનો આભાર માનવા માટે હું રીબડા ગામમાં ગયો હતો. ત્યારે જે આભારસભા જેમના ખેતરમાં યોજાઈ તે ખેડૂતને પણ અનિરુદ્ધસિંહે ધમકાવ્યા હતા. રીબડામાંથી ભાજપના મત નીકળવાથી તેમના પેટમાં તેલ રેડાયું છે. જે રીતે ગામમાં ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું તેમનું અપમાન કર્યું, અપશબ્દો બોલ્યા, માલ-મિલકતને નુકસાન પહોંચાડી આવી બધી પ્રવૃત્તિ કરી હતી. મને જેવી જાણ થઈ અને રીબડા ગામના લોકો મારી જોડે આવી પહોંચતાં તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવી હતી અને આજે ગુરુવારે સાંજે હું ખુદ રીબડા જવાનો છું અને સંમેલન યોજવાનો છું. આ લોકોની ગુંડાગીરી સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છું, એવી મારી ચેલેન્જ છે. રીબડા ગામના ખેડૂતો જે રીતે ત્રાહિમામ થઈ ગયા છે.
જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાએ શું નિવેદન આપ્યું તે વિડીયો જોવા અહીં ક્લિક કરો…