પરમાર પરિવારે ક્રાઈસ્ટ હોસ્પિટલના તબીબો પર બેદરકારીનો આક્ષેપ લગાવી લાશ સ્વિકારવાનો ઇન્કાર કર્યો
જૂનાગઢના માળિયા-હાટીના તાલુકાના ગોતાણા ગામે સાસરિયે રહેતી આશા મકવાણા (ઉ.વ.23) શાપરમાં પિતાને ત્યાં પ્રસુતિ માટે આવી’તી
- Advertisement -
માતા-પુત્રીને સિવિલનાં ઝનાના વોર્ડમાં દાખલ કરાતાં સારવારમાં આશાનું મોત નિપજ્યું: ફરિયાદ નોંધવાની પરિવારજનોની માંગ
ક્રાઈસ્ટ હોસ્પિટલના ડોક્ટરોએ આશાબેન પરિવારની ડિલિવરી તબિયત બગડતા હાથ ઉંચા કરી દીધા હતા અને આશાબેન પરમારને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જામનગર રોડ પર આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલની એક ગંભીર બેદરકારી સામે આવી છે. શાપર-વેરાવળના પરમાર પરિવારને ક્રાઈસ્ટ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. એટલું જ નહીં, ક્રાઈસ્ટ હોસ્પિટલની અક્ષમ્ય ભૂલને કારણે સોમાભાઇ પરમાર, પરબતભાઈ પરમાર અને તેના પરિવારને વ્હાલસોયી દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
- Advertisement -
બનાવની વિગત અનુસાર શાપર-વેરાવળના સોમાભાઈ પરમાર પોતાની દીકરી આશાબેન પરમાર (ઉ.23)ને આયુષમાન કાર્ડમાં ડિલિવરી કરાવવા માટે ક્રાઈસ્ટ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ગત સોમવારે ક્રાઈસ્ટ હોસ્પિટલમાં આશાબેન પરમારને આયુષમાન કાર્ડની સારવારમાં ડિલિવરી કરવા માટે દાખલ કરવામાં આવ્યા હતા. આશાબેન પરમારનું આયુષમાન કાર્ડ હોવા છતાં ક્રાઈસ્ટ હોસ્પિટલમાં પરબતભાઈ પરમાર અને સોમાભાઈ પરમારને 1500 રૂ. ભરવાનું કહેવામાં આવ્યું હતું. જેની પાછળ કહેવામાં આવ્યું હતું કે, ડિલિવરી સમયે ડોક્ટર બહારથી બોલાવવા પડશે એટલે તેનો ચાર્જ ચૂકવવો પડશે. અધૂરામાં પૂરું ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા પરમાર પરિવાર પાસે 1750 રૂ.ની બ્લડ બોટલ મંગાવવી હતી. અને ત્યારબાદ પણ 17-18 જેટલી બ્લડ બોટલ ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા પરબતભાઇ પરમાર, સોમાભાઈ પરમાર અને પરિવાર પાસે મંગવવા આવી હતી. ક્રાઈસ્ટ હોસ્પિટલમાં આશાબેન પરમારની ડિલિવરી નોર્મલ થઈ નહતી, સીઝરીયન કરવું પડ્યું હતું. ડિલિવરી બાદ આશાબેન પરમારનું બ્લડિંગ બંધ થયું નહતું અને તેમની તબિયત લથડતી જતી હતી.
અંતે ક્રાઈસ્ટ હોસ્પિટલના હિનાબેન અને અનવરભાઈ નામના વ્યક્તિઓએ પરબતભાઇ પરમાર, સોમાભાઈ પરમાર અને તેમના પરિવારને બોલાવી આશાબેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું સૂચવ્યું, જ્યાં આજે સવારે આશાબેન પરમારનું અવસાન થઈ ગયું છે. સોમાભાઈ પરમાર અને તેમના પરિવારનું કહેવું છે કે, ક્રાઈસ્ટ હોસ્પિટલમાંથી આશાબેનને પરાણે રજા અપાવીને સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધા બાદ આશાબેનનું શંકાસ્પદ હાલતમાં અવસાન થઈ જતા હાલ તેમનું પીએમ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે આશાબેન પરમારના પિતા સોમાભાઈ તેમજ પરબતભાઈ પરમારે ક્રાઈસ્ટ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આક્ષેપ લગાવીને ન્યાય ન મળે ત્યાં સુધી આશાબેન પરમારની ડેડબોડી સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.