બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યા
ઇઝરાયલમાં હજુ પણ હમાસના આતંકીઓ, હમાસની એકમાત્ર મહિલા નેતાનું મોત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 13મો દિવસ છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું છે કે હમાસના આતંકીઓ હજી પણ અમારા દેશમાં હાજર હોવાની શક્યતાને અમે નકારી શકીએ નહીં. ગાઝા સરહદી વિસ્તારોને સ્કેન કરવાનું કામ હજુ પૂર્ણ થયું નથી. અમે ગઇકાલે હમાસના એક આતંકીને પણ ઝડપી લીધો હતો. તે ગાઝા પરત ભાગી રહ્યો હતો. આ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ઇઝરાયલ સાથે એકજુથતા દર્શાવવા તેલ અવીવ પહોંચ્યા છે.
ઋષિ સુનક ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મળશે. ઇઝરાયલ પહોંચ્યા બાદ સુનકે કહ્યું- આ દેશે આતંકવાદનો સામનો કર્યો છે, અમે તેમની સાથે છીએ. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગને સાથે મુલાકાત કરશે. આ દરમિયાન, સંરક્ષણ દળોએ કહ્યું છે કે ગાઝા પર હુમલામાં હમાસની એકમાત્ર મહિલા નેતા, જમીલા અલ-શાંતિ મોતને ભેટી છે. જમીલા હમાસના કો-ફાઉન્ડર અબ્દેલ અઝીઝ અલ-રંતિસીની પત્ની હતી. રંતિસી 2004માં બીજા ઈન્તિફાદા દરમિયાન ઈઝરાયલના હુમલામાં માર્યો ગયો હતો. જમીલા 2021માં જ હમાસના પોલિટિકલ બ્યુરોની સભ્ય બની હતી.
ઇઝરાયલે મોડી રાત્રે લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ઇઝરાયલના સંરક્ષણ દળોનો દાવો છે કે આ હુમલાઓમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સનો પૂર્વ કમાન્ડર કાસિમ સુલેમાનીના સ્મારકને નિશાન બનાવવામાં આવ્યું હતું. ખરેખરમાં, કાસિમ સુલેમાની ઈરાનના પ્રખ્યાત કમાન્ડરોમાંનો એક હતો. 2020માં થયેલા હુમલામાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ તરફ, બાઈડેનની ઇઝરાયલ મુલાકાત બાદ અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધો ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પર લગાવવામાં આવશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી આપી છે. ઇઝરાયલથી પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ચર્ચા કરી હતી. અલ-સીસીએ ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા લગભગ 20 ટ્રક મોકલવા માટે રાફા સરહદ ખોલવાની મંજૂરી આપી છે.