ફાયરિંગમાં ઈજાગ્રસ્ત યુવાનને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ, ફાયરિંગ જેવી ઘટનાઓ દિવસેને દિવસે સામાન્ય થતી જાય છે ત્યારે હાલમાં એક દિવસમાં ત્રણ સ્થળો પર લૂંટને અંજામ આપનારા પોલીસના હાથે ઝડપાયા હતા તેવામાં ફરી એક વખત ધ્રાંગધ્રા ખાતે ફાયરિંગમાં ઘટના સામે આવી હતી. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા શાહરૂખ ફતેમહમદ કાજેડીયા ઉંમર:24 વર્ષ વાળા ગત રાત્રિ સમય દરમિયાન ખરાવાડ વિસ્તારમાંથી નીકળતા હોય ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા દૂરથી પીઠના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કરતાં ઈજા પામેલ યુવાન જમીન પર ઢળી પડ્યો હતો જ્યાંથી યુવાનને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જતા હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી રિપોર્ટમાં યુવાનને પીઠના ભાગે ફાયરિંગ કરવાના લીધે ગોળીના નિશાન અને ગોળી પણ શરીરના ભાગે હોવાનું તબીબોએ દ્વારા જણાવાયું હતું.
- Advertisement -
આ તરફ પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડ્યા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી. જોકે યુવાન પર થયેલ ફાયરિંગ અંગે એક શખ્સને શંકાના આધારે પૂછપરછ શરૂ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે અહી એક જ સમાજના બે પરિવાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથાકુટ ચાલતી હોય તે અંગે ફાયરિંગની ઘટના બની હોવાની શક્યતા સેવાઈ છે.