ઑનલાઈન ખરીદી પણ ગત વર્ષ કરતા 20% વધુ: વર્લ્ડકપ જ રૂા.20000 કરોડ ઉમેરશે, પ્રવાસન-ભોજન પાછળ રૂા.26000 કરોડ ખર્ચાશે
હજું નવેમ્બર માસની લગ્નજીવન બાકી: ડિજિટલ પેમેન્ટ ઓકટોબરમાં રૂા.16.45 લાખ કરોડ; ક્રેડીટ કાર્ડ પેમેન્ટ રૂા.1.42 લાખ કરોડ નોંધાયુ
ખાસ-ખબર સંવાદદાતા
દિપાવલીના તહેવારો નજીક આવતા જ ભારતીયો હવે તેના હાથ, ખીસ્સા, ક્રેડીટ-ડેબીટ કાર્ડ ખાલી કરી રહ્યા છે અને આ તહેવારમાં કાર, સ્માર્ટફોન તથા ટેલિવિઝનનું વેચાણ નવા રેકોર્ડ બનાવે તેવા સંકેત છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં હવે સૌથી ઝડપથી ખર્ચતા અર્થતંત્રનું પણ બિરુદ મળે તો આશ્ચર્ય થશે નહી અને ફકત ઓફલાઈન જ નહી પણ ઓનલાઈન ખર્ચ પણ વધ્યુ છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ડોટ કોમ, વોલમાર્ટની ઈ-કોમર્સ કંપની ફલીપકાર્ટનું વેચાણ તહેવારોના પ્રથમ સપ્તાહ એટલે કે નવરાત્રીના સમયમાં અગાઉના એક એક વર્ષની સરખામણીમાં 20%થી વધુ વધી ગયુ છે તો ઓકટોબર માસમાં ડીજીટલ વ્યવહારો ગત વર્ષની સરખામણીમાં 40%થી વધુ વધી ગયા છે. દેશમાં નોરતા શરુ થતા જ ખરીદીની દોટ સર્જાઈ હતી અને તે હવે દિવાળી સુધી ચાલશે તથા હવે દિવાળી નજીક આવતા ખાદ્ય પદાર્થ, ઘર શણગારની ચીજો તથા ભેટ વિ.ની ખરીદી પણ વધશે. ભારતમાં જીડીપીના 60% જેટલો હિસ્સો પણ ગ્રાહક ખર્ચનો છે.
અર્થશાસ્ત્રીઓ માને છે કે, ફુગાવો થોડો ધીમો પડયો છે તથા વેતન વધારાની પણ બજારમાં અસર છે. બેન્કોનું રીટેલ ધિરાણ પણ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે તો કોરોનાની માનસિકતામાંથી લોકો બહાર આવીને હવે ખર્ચ માટેનો વિશ્વાસ વધી ગયો છે. બેન્ક લોનની માંગ 12 વર્ષના સૌથી ઉંચા સ્તરે છે. વ્યાજદર વધારા છતા પર્સનલ લોન ક્રેડીટકાર્ડ માટેની માંગમાં કોઈ ફર્ક પડયો નથી. તો બીજી તરફ ચુંટણીમાં જે રાજયમાં યોજાઈ રહી છે ત્યાં નાણા ઠલવાઈ રહ્યા છે. કવાનકો રીસર્ચના પ્રવિણ સિંઘલ તથા વિવેક દુબલના જણાવ્યા મુજબ શહેરી અને ગ્રામીણ બન્ને ખરીદી ફેસ્ટીવલ તબકકામાં પ્રવેશી ચુકી છે અને દેશમાં રીટેલ સ્ટોર્સની જાળ બીછાવવા તથા લકઝરી મોલ કલ્ચર પણ સર્જનાર રીલાયન્સ રિટેલના દાવા મુજબ લોકો ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે.
આ વર્ષે દિપાવલી સમયે જ ક્રિકેટ વર્લ્ડકપનો પણ રોમાંચ છે અને તે ભારતના અર્થતંત્રમાં રૂા.20000 કરોડનો ઉમેરો કરશે. હજુ લગ્ન સીઝન દિપાવલી પછી શરુ થશે તો દિપાવલીમાં પ્રવાસન-ભોજન પાછળ જ વધુ રૂા.26000 કરોડનો ખર્ચ થશે. તા.23 નવે.થી લગ્ન સીઝન શરુ થશે જેનો પ્રથમ તબકકો તા.14 ડિસેમ્બર સુધી ચાલશે અને રૂા.50000 કરોડનો ખર્ચ તેના માટે થશે. સોનાના ઉંચા ભાવ છતા પણ ગોલ્ડ ખરીદીને પણ વેગ મળશે. બેન્કોએ જે રીતે ધિરાણમાં હાથ છુટ્ટા કર્યા તેનો પણ પ્રભાવ છે. તા.15 ઓકટોના પુરા થતા સપ્તાહ સુધીમાં ઓનલાઈન શોપીંગ રૂા.47000 કરોડનું થયું. યુપીઆઈ પેમેન્ટમાં તા.1થી30 ઓકટોના રૂા.16.46 લાખ કરોડના વ્યવહારો થયા જે અગાઉના વર્ષ કરતા 40% વધુ હતા. ક્રેડીટ કાર્ડ પેમેન્ટ 1.42 લાખ કરોડ થયુ તે આરબીઆઈને ચિંતા કરાવે છે.