વંથલી ઓઝત નદીમાં ખનિજ ચોરી અટકાવ સરકારમાં આક્રમક રજૂઆત
વંથલી ઓઝત નદીકાંઠાનાં ગામોમાં ખનિજ માફિયાઓ બેફામ
- Advertisement -
ઓઝત નદી પર ડ્રોન કેમેરા અને સીસીટીવી મુકાવવા ધારાસભ્યની માંગ
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જિલ્લાના 7 તાલુકાઓ માટે જીવાદોરી સમાન ઓઝત નદીમાંથી કરવામાં આવતી રેતી ચોરી સામે ધારાસભ્યનો આક્રોશ ફાટી નીકળ્યો છે.વંથલી માણાવદર નાં ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સરકારમાં કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે વંથલી,સાંતલપુર,શાપુર,નાવડા, કાજલીયાળા અને કણજા સહિત નદી કાઠાનાં ગામોમાં ખનિજ માફિયાઓએ બેફામ માજા મૂકી હોવાનું જણાવી ઓઝત નદી પર ડ્રોન કેમેરા મારફત શુટીંગ કરાવી ખનિજ માફિયાઓ સામે કડક પગલાં લેવા રજૂઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે રેતી પાણીનો સંગ્રહ કરવા માટે ખૂબ જરૂરી છે.પૃથ્વીના પેટાળમાં પાણીનું સ્તર જાળવવા માટે રેતી ખૂબ મહત્વ નો ભાગ ભજવે છે જો રેતી જ કાઢી લેવામાં આવે તો ખેતી પર આધારિત નદી કાઠા નાં વિસ્તારોમાં સિંચાઇના પાણી ની કાયમી અછત રહેશે તેમજ વંથલી શહેરને પાણી માટે કાયમી ધોરણે ઓઝત નદી પર આધાર રાખવો પડે છે.વંથલી નગરપાલિકા પાસે પાણી નાં અન્ય કોઈ સ્ત્રોતનાં હોય ઓઝત નદી નું પાણી જ એક માત્ર વિકલ્પ છે. પરંતુ વંથલીનાં નગરજનોની કરમની કઠણાઇ કે ખનિજ માફિયાઓના પાપે ડહોળુ અને પ્રદૂષિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાનાં કારણે પાણીજન્ય રોગો પણ આ વિસ્તારમાં વધ્યા હોવાનું જણાઈ આવે છે.
ભૂતકાળમાં ઓઝત બચાવો આંદોલન પણ કરવામાં આવેલ હોવા છતાં ખાણખનિજ વિભાગ દ્વારા કોઈ નક્કર અને સચોટ કાર્યવાહી કરવામાં ન આવી હોય ફરી એક વખત વંથલી માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સરકારમાં ધારદાર રજૂઆત કરી જણાવ્યું છે કે ખનિજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે પૂર્વ મંજૂરી વગર હોડકાઓ મારફત ખનિજ ખનન કરવામાં આવતું હોય પાણી પ્રદૂષિત બને છે જેને કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહે છે.ઓઝત નદીના કાંઠા નાં વિસ્તારોમાં ખેતરોનું જે ધોવાણ થઇ રહ્યું છે તે પણ રેતી ચોરીના કારણે થઈ રહ્યું હોય તે બાબતે પણ ગંભીરતા પૂર્વક વહીવટી તંત્ર એ લઈ ખેડૂતોનાં હિતમાં તાત્કાલિક રેતી ચોરી ડામવા માંગ કરી છે તેની સાથે વંથલી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઓવર લોડિંગ વાહનોના લીધે રોડ તૂટી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
હાલ તો જોવું એ રહ્યું કે ખાણખનિજ વિભાગ, મામલતદાર, પોલીસ સહિતનું વહીવટી તંત્ર પરિણામ લક્ષી કાર્ય કરશે કે પછી ધારાસભ્યએ આપેલ ચીમકી અનુસાર લડતના મંડાણ થશે તેતો આવનાર સમય જ બતાવશે.