આજી ડેમ ચોકડી પાસે આવેલી મરકઝ પબ્લિક સ્કૂલના સંચાલકોની નાપાક હરકત વિરુદ્ધ કાર્યવાહી જરૂરી, વિદ્યાર્થી નશાદ બાદ શિક્ષક મૌલાનાની હેવાનિયતનો ભોગ અન્ય કોઈ બને તે પહેલાં તેને જેલ હવાલે કરવો જરૂરી
સ્કૂલના ટ્રસ્ટી-માલિક મુસા ચાવડા, આબીદ ચાવડાના કહેવાથી શિક્ષક મૌલાના કરીમ હજરતે વિદ્યાર્થી નશાદને ઢીબી નાખ્યો
ધો. 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નશાદને રોજ માર મારી તડકામાં ઉભા રાખનારા સ્કૂલના ટ્રસ્ટી-માલિક અને શિક્ષક વિરુદ્ધ અરજી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજકાલ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી ફી ઉઘરાવા કોઈપણ હદ સુધીનું કૃત્ય કરવામાં આવે છે. રાજકોટની શાળામાં પણ ફીની પઠાણી ઉઘરાણી કરતા વિદ્યાર્થીને ઢોર માર મારી તડકામાં ઉભો રાખવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવની વિગત અનુસાર શહેરના આજી ડેમ ચોકડી પાસે તુરકીબાપુની દરગાહ નજીક મરકઝ પબ્લિક સ્કૂલ આવેલી છે. આ સ્ફૂલના ટ્રસ્ટી-માલિક મુસા ગુલાબહુસેન ચાવડા, આબીદ ગુલાબહુસેન ચાવડા અને શિક્ષક મૌલાના કરીમ હજરતે ધો. 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નશાદ નઈમુદ્દીન સૈયદને ઢોર માર મારી તડકામાં ઉભો રાખી ફી ભરવા દબાણ કર્યું હતું. આ અંગે જાહીદભાઈ મહમદ ઈકબાલભાઈ કાદરીએ પોલીસ કમિશનર અને આજી ડેમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અરજીમાં જણાવ્યા અનુસાર, મરકઝ પબ્લિક સ્કૂલના શિક્ષક મૌલાના કરીમ હજરત તેમજ સ્કૂલના બે ટ્રસ્ટી-માલિક મુસા ગુલાબહુસેન ચાવડા, આબીદ ગુલાબહુસેન ચાવડા છે. અમોની ભાણેજ રૂકશાનાબેનનો દીકરો નશાદ નઈમુદ્દીન સૈયદ ઉ.વ. 17 હાલ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે.
થોડા દિવસથી બાળક નશાદ શાળાએ જતો ન હતો તેમજ ખૂબ જ ગુમસુમ રહેતો અને કોઈ સાથે વાતચીત કરતો ન હોય જેથી તેમની માતા દ્વારા બાળકને સમજાવી પ્રેમથી પૂછપરછ કરતાં જાણવા મળેલ હતું કે શાળાના ટ્રસ્ટી-માલિકના કહેવાથી શિક્ષકે બાળકને ખૂબ જ બેરહેમીથી માર મારેલો હતો અને આખો દિવસ તડકામાં ઊભો રાખેલ હતો. થોડા દિવસોમાં આવી ઘટના તેની સાથે બે-ત્રણ વખત બનેલ હતી, જેથી પોતે બીકના મારે સ્કૂલે ન જતો હોવાની વાત જાણવા મળેલ હતી અને આ બનાવ અંગેની જાણ થતાં બાળકની પૂછપરછ કરતાં બાળકે તમામ હકીકત જણાવેલી હતી.
આ તમામ બનાવ શાળાના સીસીટીવીમાં પણ આવી ગયેલ છે જેથી બનતી ત્વરાએ આ સીસીટીવી કબજે કરવામાં નહીં આવે તો આરોપીઓ દ્વારા આ પુરાવાનો નાશ કરે તેવી પણ સંપૂર્ણ સંભાવના રહેલ છે. અરજીમાં જણાવ્યા અનુસાર આ બનવાનું કારણ પૂછતાં બાળક દ્વારા એવું જણાવવામાં આવેલ હતું કે સ્કૂલની ફી પેટે રૂા. 20,000 લેવાના બાકી હોય જેથી બાળકને માર મારતા હતા તેમજ આખો દિવસ તડકામાં ઊભો રાખતા હતાં. જ્યાં સુધી ફી લઈને શાળાએ નહીં આવે ત્યાં સુધી તેને માર મારવામાં આવશે અને આખો દિવસ તડકામાં ઊભો રહેવાની સજા આપવામાં આવશે તેવું શાળાના ટ્રસ્ટી-માલિક અને શિક્ષક દ્વારા બાળકને જણાવવામાં આવેલ હતું જેથી બાળક દ્વારા સ્કૂલે જવાનું બંધ કરેલ હતું. આમ આ કામના આરોપીઓ દ્વારા સ્કૂલની ફી વસૂલવા માટે થઈને એકસંપ કરી બાળકને અવારનવાર માર મારવામાં આવેલ છે તેમજ તેને આખો દિવસ તડકામાં ઊભો રાખવામાં આવેલ છે જેની ગંભીર અસર કુમળી વયના બાળક ઉપર થયેલ હોય જેથી આ સ્કૂલના ટ્રસ્ટી-માલિક અને શિક્ષક સામે બનતી ત્વરાએ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથેની અરજી પોલીસમાં કરવામાં આવી છે.
મુસ્તાક ઉર્ફે મુસાભાઇ ચાવડા તથા આબિદ ઉર્ફે અબાદાદા વિરુદ્ધ અનેક પોલીસ કેસ પણ નોંધાયેલા છે. જેને પણ ધ્યાને લઇ પોલીસને કાર્યવાહી કરવા અરજદારે અરજીમાં જણાવ્યું છે.