વેલેન્ટાઈન ઠંડીમાં પણ ગરમાવો આપતા પ્રેમનો ઉત્સવ પણ આ મહીનામાં આવે. પ્રેમ એટલે માત્ર હળવું મળવું અને જરૂરિયાત પુરી કરવી એટલુંજ નથી હોતું. ક્યારેક માનસિક સહારો તો ક્યારે માનસિક તણાવ પણ બની જાય છે. છતાં પ્રેમ એ પ્રેમ છે.
એમાય સ્ત્રીનો પ્રેમ એટલે જીવતી જાગતી ધબકતી લાગણીઓનું મિશ્રણ, જેમાં મૃદુ સંવેદનાઓને જન્મ આપતું હ્રદયમાં ધરબાએલુ રહે છે. બાળપણમાં ઉછળતા ઝરણા જેવા જીવનને સ્વેચ્છાએ યુવાની સુધીમાં નદી જેવું ધીર ગંભીર સ્વરૂપ આપી દે છે. જે આગળ જતા દરિયાની જેમ વિશાળતા ધારણ કરી સંસારનાં બધા સુખદુ:ખ અંતરમાં દફનાવી દેતી હોય છે. આવી સ્ત્રી જ્યારે સઘળી ઈચ્છા, ઉમંગો, વેદનાને શબ્દોથી કંડારવા લાગે છે ત્યારે અદભુત રચનાઓ સમાજને મળી આવે છે. આવીજ એક સ્ત્રીની જીવનગાથા,નામ છે અમૃતા પ્રીતમ. જેમનો જન્મ 1919, 31 ઓગસ્ટના રોજ ગુજરાવાલા પંજાબમાં થયો હતો. જે આજે પાકિસ્તાનનું એક શહેર છે. માતા ગુજરાતી અને પિતા પંજાબી હતા. માતાપિતા બંને ઘાર્મિક અને શાંત સ્વભાવના હતા. તેમનું એક માત્ર સંતાન તે અમૃતા. નાનપણથી લખવાનો શોખ હતો. કિશોરાવસ્થામાં બાલસખાને કલ્પનામાં લાવીને કવિતાઓ કંડારતા હતા, ત્યારબાદ પંજાબીમાં કવિતા, સાથે વાર્તા અને નિબંધ લખતા થયા. 11 વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું અને નાની ઉંમરમાં ઘરની જવાબદારીઓ આવી છતાં તેમનો લખવાનો શોખ બરાબર રહ્યો. જીવનમાં આવતા ચઢાવ ઉતારને કારણે તેમની કવિતાઓમાં રચનાઓમાં જીવંતતા રહી છે. જીવનમાં લાગણીઓની સતત ભૂખ ઉંમરના દરેક પડાવે રહી એ અનુભૂતિ તેમની રચનાઓમાં જોઈ શકાય છે. 1947માં દેશમાં પડેલા ભાગલાની વ્યથાઓ તકલીફ પણ તેમની અનેક રચનામાં વ્યક્ત થયેલી છે. જે આજે પણ ખુબ પ્રચલિત રહી છે.
સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ “અમ્રૂત લહરેં”પ્રગટ થયો. 87 વર્ષના જીવન સફર દરમિયાન તેમણે અઠ્ઠાવીસ જેટલી નવલકથાઓ, અઢાર કાવ્ય સંકલન, કેટલીયે લઘુકથાઓ, આત્મકથા અને જીવન સંસ્મરણો લખ્યાં. સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન લાહોરના પ્રતિષ્ઠિત પરિવારના યુવક પ્રીતમસિંધ સાથે થયા. પ્રીતમસિંધ સ્વભાવે સાલસ અને શાંત હતા જ્યારે અમૃતાજી અગ્રેસીવ અને શોખીન મિજાજના હતા. બંનેનાં સ્વભાવની વિમુખતાને કારણે લગ્ન પછી થોડાજ સમયમાં તેમની વચ્ચે એક દીવાલ બંધાઈ ગઈ હતી. છતાં પતિના સ્વભાવની સરળતા પણ તેમને છેવટ સુધી સ્પર્શતી રહી 1944 લાહોરના એક મુશાયરામાં સાહિર લુધિયાનવી અને અમૃતાજીની પહેલી મુલાકાત થઇ. વરસાદી રાત્રે થયેલી પ્રથમ મુલાકાત બંનેના જીવનને ભીંજવી ગઈ હતી. પ્રથમ મુલાકાતમાં અમૃતા સાહિરથી ખુબ પ્રભાવિત થઇ ગયા. કોઈ અદમ્ય આકર્ષણથી તેઓ પરસ્પર બંધાઈ ગયા.
- Advertisement -
‘જબ જબ મૈં ઉસ રાત કે બારે મૈં સોચતી હૂં, તો મુઝે લગતા હૈ કિ તકદીર ને મેરે દિલ મૈં મોહબ્બત કે બીજ બો દીએ થે, જિનમેં બારિશ કે કારન કોંપલ નિકલ આઈ થી…!’
‘જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત….’
સાહિર સાહેબનું લખેલું આ ગીત કલ્પના માત્ર નહોતું પણ અમૃતાજી સાથેની તેમની પ્રથમ મુલાકાતનું યાદગાર કાવ્યમય વર્ણન હતું. આ સમયને યાદ કરતા અમૃતાજીએ પણ નોધ્યું હતું કે, તેમનો પ્રેમ સામાજિક બંધનથી પરે અલગ પ્રકારનો હતો. વર્ષો સુધી એકબીજાને નાં મળવા છતાં, અનેક ચઢાવ ઉતારો વચ્ચે પણ તેમના પ્રેમની ધારા અવિરતપણે વહેતી રહી છે.
સાહિર સાહેબ ઉર્દુમાં લખતા અને અમૃતાજી પ્રીતમ પંજાબીમાં છતાં પ્રેમની એક જ ભાષા હતી
- Advertisement -
ભારત પાકિસ્તાનના ભાગલા પછી સાહિર લાહોરમાં અને અમૃતા દિલ્હીમાં સ્થાઈ થયા. આ દરમિયાન તેમની વચ્ચે પત્ર વ્યવહાર રહ્યા હતા. સમય જતા સાહિર મુંબઈમાં આવી વસ્યા.
બંનેના લખાણોની ભાષા અલગ હતી સાહિર ઉર્દુમાં લખતા હતા અને અમૃતા પંજાબીમાં છતાં પ્રેમની એકજ ભાષા હતી. છેવટે અમૃતા હિન્દીમાં લખતા શીખી ગયા. અમૃતાએ સાહિરને સંબોધી ઘણી રચનાઓ વાર્તાઓ લખી છે. તેમાં અઢળક લાગણીઓને વ્યક્ત કરી છે.
શબ્દોના સહારે આ લેખિકાએ જીવનની દરેક પળોને ભરપુર માણી છે. જે પ્રેમની ઉત્કટતા અમૃતાને સાહિર પાસેથી હતી તે સો ટકા પૂરી થઈ શકી નહોતી છતાં તેનો તેમને કોઈ અફસોસ નહોતો. બંને વચ્ચે ખામોશીઓનો પ્રેમ હતો. પડછાયાની પ્રીત હતી. મોરપિચ્છ અને વાંસળી જેવું કોઈ બંધન હતું. છતાં સળગતા સિગારેટના ઠુંઠાની જેમ તેમનો પ્રેમ અંત સુધી સળગતો રહ્યો અથવા તો સમયની છાજલીમાં પડી રહ્યો. બંને ખુબ ઓછું મળતા પરંતુ જ્યારે મુલાકાત થતી ત્યારે શબ્દો થીજી જતા. પ્રેમની પીડામાં સર્જકો વધારે નીખરી ઉઠે છે તેવુજ અમૃતાજી સાથે બન્યું.
બે બાળકોના જન્મ પછી પણ પતિ સાથે સ્વભાવની, આદતોની વિરુધ્ધતા તેમને માનસિક સંતોષ આપવામાં અસફળ રહી. ભારત પાકિસ્તાનના ભાગલા પછી તેઓ પરિવાર સાથે દિલ્હીમાં આવી વસ્યા. આ સમય દરમિયાન સ્વતંત્ર વિચારો ધરાવતા અમૃતાએ સાહિર સાથેના સબંધોને છુપાવવાની ક્યારેય કોશીશ નહોતી કરી. પ્રીતમસિંધ પણ તેમની આ લાગણીઓથી પરિચિત હતા. હાલક ડોલક જીવન નૈયામાં વિચારોની અસમાનતાને કારણે પતિએ છુટાછેડાની માગણી કરી જે અમૃતાજીએ સ્વીકારી લીધી. છેવટે 1960માં તેમના તલાક થઈ ગયા.
સાહિર સાથેના સબંધો પણ બરફની માફક ક્યારેક જામી જતા ક્યારેક પીગળી જતા છતાં મુઠ્ઠીમાં ભરાઈ શકતા નહોતા. બંને વચ્ચે અતુટ પ્રેમ હોવા છતાં દુર થઇ ગયા. આ વાતનું બંનેને સરખું દુ:ખ હતું. સાહિરના જીવનમાં બીજી એક સ્ત્રીનો પ્રવેશ થયો એ પછી અમૃતાજી તૂટી ગયા હતા છતાં તેમની લાગણીઓમાં કોઈ ખાસ ફર્ક નહોતો આવ્યો.
‘કભી તો કોઈ ઇન દીવારો સે પૂછે કી કૈસે મુહબ્બત ગુનાહ બન ગઈ હૈ. દેખા ઉન્હેં તો જો ઉનકી નઝરથી વહી તો ખુદા કી નિગાહ બન ગઈ હૈ.’
અમૃતાજીને જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ત્યારે કોઈ પત્રકારે તેમનો ફોટો માગ્યો હતો, તેમણે એ ફોટા ઉપર પોતાના નામને બદલે સાહિર એમ લખ્યું
એક સમાચાર મુજબ અમૃતાજીને જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ત્યારે કોઈ પત્રકારે તેમનો ફોટો માગ્યો હતો. તેમણે એ ફોટા ઉપર પોતાના નામને બદલે સાહિર એમ લખ્યું. આ એક નામ તેમના લોહીનાં કણેકણમાં ભરાઈ ગયું હતું તેને સમય જુદા કરી શક્યો નહોતો..
સાહિર તો જીવન પથ ઉપર સાથી તરીકે મળ્યા નહિ. પરંતુ આનાથી તદ્દન વિરુદ્ધ બીજું એક પાત્ર ઈમરોઝ તેમના જીવનમાં મીઠી વીરડી સમું આવ્યું.
દિલ્હીમાં અમૃતાજીની મુલાકાત પોતાના કરતા નાની ઉંમરના ઇન્દ્રજીત એટલે કે ઈમરોઝ સાથે થઇ. જેમને એ ભાગલા પહેલા પંજાબમાં હતા ત્યારથી જાણતા હતા. ઈમરોઝ અમ્ર્રુતાજીની કવિતાઓ લખાણના દીવાના હતા. પોતે એક સારા ચિત્રકાર હતા. આ કલાકાર તેમની ધૂનમાં રહી અમૃતાજીને ચાહતા હતા.
પ્રીતમસિંધ સાથેના ડિવોર્સ પછી અમૃતજી બંને બાળકોને લઇ ઈમરોઝનાં ઘરે રહેવા ચાલી ગયા. તેમને પહેલી વાર પ્રેમ કરતા પણ મજબુર સંબંધ મળ્યો. ઇમરોઝે અમૃતાજી અને તેમના બંને બાળકોને છેવટ સુધી સાચવ્યા હતા. ઉંમરના છેલ્લા પડાવે જ્યારે પ્રીતમસિંધ બિમાર પડ્યા ત્યારે અમૃતાજી ભૂતપૂર્વ પતિને અહી લઇ આવ્યા અને છેલ્લી ઘડી સુધી તેમની ચાકરી કરી. આ કાર્યમાં ઇમરોઝે પણ સાથ
આપ્યો હતો.
અમૃતાજીએ લાગણીઓને અલગ અલગ ખાનાઓમાં જગ્યા આપી હતી. પ્રેમ દોસ્તી સાથી પતિ દરેકને પોતાની અલગ જગ્યા હતી. જીવનમાં ઘણું મેળવ્યું છતાં તેમના હ્રદયનો એક ખૂણો ખાલી રહ્યો કદાચ સાહિર લુધિયાનવી નામનું ખાનું પૂરેપૂરું ભરાયું નહોતું. સાહિરની અડધી પીધેલી સિગારેટના ઠુંઠા, ચાયનો ખાલી કપ, સાહિરના હસ્તાક્ષર આ બધું અડધું અધૂરું જીવનને ક્યારેક ઉણપ વધારતું, ક્યારેક ખાલીપાને ભરી દેતું. આ બધા સમયની વચ્ચે અવનવી કવિતાઓ વાર્તાઓ રચાતી રહી.
પોતાની કૃતિઓ માટે જ્યાં એક તરફ અમૃતાજીએ ખૂબ નામના મેળવી ત્યાં કેટલીક કવિતાઓ અને રચનાઓ માટે તેમને વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. છતાં તેમની કલમની તાકાત અને મજબુત મનોબળને કારણે તેઓ ટક્કર ઝીલતા. અમૃતાજીની ભીતર સંવેદનશીલ સ્ત્રી જીવતી હતી જેના કારણે સમાજના દરેક પાસાને, સ્ત્રીની મનોભાવનાને કલમને સહારે હ્ર્દયસ્પર્શી આલેખી શકતા હતા.
તેમણે ભારત પાકિસ્તાનના ભાગલાને આલેખીને એ વખતના નરસંહારને દર્શાવતી ઘણી સંવેદના ભરી રચનાઓ અને લેખ લખ્યા હતા. અંદાજે 100 જેટલા પુસ્તકો લખ્યા છે.
તુ જીંદગી જૈસી ભી હૈ વૈસી મુજે મંજુર હૈ, જો ખુદી સે દુર હૈ, વહ ખુદા સે દુર હૈ.
“દરેક સબંધને જીવતા શીખવું જોઈએ. જીવન એ લાગણીનું ખીચોખીચ ભરેલું વન છે, તેમાંથી બહાર નીકળવાનો રસ્તો દરેક પોતાની સમજ પ્રમાણે શોધે છે”