સામું જોવા બાબતે ત્રણ શખ્સોએ ધોકા અને પાઈપથી માર મારતા બન્ને સારવાર હેઠળ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં સામાન્ય બની ગયેલા મારામારીના બનાવો વચ્ચે નવરાત્રિના ત્રીજા દિવસે કરણપરા વિસ્તારમાં નામચીન સહિત ત્રણ શખ્સે બે ભાઇ પર હુમલો કરી લોહીલુહાણ કરી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તહેવાર પર મામલો વધુ ન વણસે તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ દોડી ગયો હતો. માત્ર સામું જોવા બાબતે ત્રણ શખ્સોએ ધોકા અને પાઈપથી માર મારતા બન્ને ભાઈઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
બનાવની મળતી વિગતો મુજબ, મિલપરા-6માં રહેતા રાજેશભાઇ ચંદ્રકાંતભાઇ પંડ્યા અને તેમનો નાનો ભાઇ આશિષભાઇ કરણપરા ચોક પાસે આવેલા આર.કે.પાન નામની દુકાન નજીક મંગળવારે બેઠા હતા. ત્યારે છ વાગ્યાના અરસામાં એક શખ્સ તેમની સાથે માથાકૂટ કરતો હતો. થોડીવાર પછી આ વિસ્તારમાં રહેતો અને માથાભારેની છાપ ધરાવતો રણજિત ચાવડિયા સહિત ત્રણ શખ્સ એક બાઇકમાં ધોકા, લાકડી સાથે ધસી આવ્યા હતા અને બંને ભાઇઓ સાથે ઝઘડો કરી લાકડી, ધોકાના ઘા ઝીંકવા લાગ્યા હતા.
મામલો વધુ વણસતા ઉશ્ર્કેરાયેલા નામચીન રણજિત ચાવડિયા અને તેની સાથેના બે શખ્સો ધોકા, લાકડી સાથે તૂટી પડતાં બંને ભાઇ રોડ પર પટકાયાં હતા. ત્રણેય શખ્સે એટલા ઝનૂનથી ધોકા, લાકડીના ઘા ફટકાર્યા કે રાજેશભાઇ અને આશિષભાઇ લોહીલુહાણ થઇ રોડ પર જ ઢળી પડ્યા હતા. લોકો એકઠા થતાં ત્રણેય શખ્સ બાઇકમાં બેસી નાસી ગયા હતા. બનાવ બાદ બંને ભાઇઓને હોસ્પિટલ ખસેડાયા હતા. ભાઇઓ પરના હુમલાનો સીસીટીવી સોશિયલ મીડિયામાં ફરતો થતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ડી. એમ. હરિપરા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા. વાતાવરણ વધુ ન બગડે તે માટે હોસ્પિટલ પર પણ પોલીસ ગોઠવી દેવાઇ હતી. હુમલાના પગલે લોકોના ટોળાં એ ડિવિઝન પોલીસ મથક દોડી ગયા હતા.
- Advertisement -
મારવા આવેલા 3 પૈકી એકને લાકડી વાગતાં આંચકી ઉપડી
પંડ્યા બંધુ પર ત્રણ શખ્સે લાકડી, ધોકાથી કરેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. આ ફૂટેજમાં પંડ્યા બંધુ પર હુમલા સમયે હુમલાખોર પૈકી એક શખ્સને તેના જ સાગરીતનો ધોકો માથામાં લાગ્યા બાદ આંચકી ઉપડતા તે રોડ પર ઢળી પડ્યો હતો. તેમનો જ સાગરીત પડી જતા પંડ્યા બંધુને પડતા મૂકી આંચકી ઉપડેલા શખ્સને તેડીને બાઇક પર બેસાડી ભાગી ગયા હતા.