ફક્ત મહિલા ફેરીયાઓ મહિલા માટેની ચીજ વસ્તુઓનું જ વેંચાણ કરી શકશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા કાલાવડ રોડ, ઈ.એસ.આર.ની બાજુમાં નવો બનાવવામાં આવેલા મહિલા હોકર્સ ઝોનના કુલ-18 થડાની ડ્રો મારફત ફાળવણી કરવામાં આવી હતી. આ મહિલા હોકર્સ ઝોનમાં ફક્ત મહિલા ફેરીયાઓ મહિલા માટેની ચીજ વસ્તુઓનું જ વેચાણ કરી શકશે. 18 થડા સામે કુલ-78 અરજીઓ મળી હતી. જેમાં આજે ડીપોઝીટ ભરપાઈ કરેલી 58 અરજીઓનો ડ્રો કરી 18 થડાની ફાળવણી કરવામાં આવી. ડ્રોમાં પસંદગી પામેલને ફાળવણી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મહિલા હોકર્સ ઝોન ફાળવણી ડ્રો કાર્યક્રમ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસીપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા સહિતના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
મહિલા અરજદારોનો હોબાળો
રાજકોટક મહાનગરપાલિકાના જનરલ બોર્ડ હોલમાં આજે મહિલા હોકર્સ ઝોન માટે લકી ડ્રો યોજાયો હતો. જેમાં પદાધિકારીઓ દ્વારા ડ્રો યોજાયો હતો. જો કે, તેમાં જે અરજદારોએ ડિપોઝીટ નથી ભરી તેવા લોકોના નામ નીકળતા અન્ય મહિલાઓએ હોબાળો કર્યો હતો. જો કે ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે મામલો શાંત પાડતા કહ્યું હતું કે, જે લોકોએ ડિપોઝીટ નથી ભરી તે લોકોને જગ્યા આપવામાં નહીં આવે.