નજીવી ફી : સવાર અને સાંજનાં જીમ કાર્યરત
ખાસ-ખબર સંવાદદાતા
આજના ભાગદોડ અને તનાવભર્યા જીવનમાં ફિટનેશ જાળવવી એક ચેલન્જ બની ગઈ છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર દેશના નાગરિકો ફીટ અને બિમારીઓથી દૂર રહે તે માટે ફીટ ઈંન્ડિયા મુહિમ પણ છેડી છે.આ ફીટ ઈન્ડિયા મુહિમને જૂનાગઢમાં સાર્થક કરવાનુ કામ તાલુકા ફિટનેશ સેન્ટર કરી રહ્યું છે. આ સેન્ટર ગાંધીચોકમાં આવેલું છે. અહિંયા કસરત-વ્યાયામના અદ્યતન સાધનોથી મોટી સંખ્યામાં યુવાનો પોતાની ફિટનેશનુ સ્તર ઉંચુ લાવવા માટે પરસેવો પાડી રહ્યા છે. ત્યારે જૂનાગઢવાસીઓને એકદમ રાહત દરે જૂનાગઢ તાલુકા ફિટનેશ સેન્ટર એટલે સરકારી જીમના માધ્યમથી ખાનગી જીમને ટક્કર મારે તેવી સેવા ઉપલબ્ધ છે. અહીં માસિક 350 રૂપિયા ફી છે. આ અંગે જિલ્લા રમત વિકાસ અધિકારી હિતેષ દિહોરા કહે છે કે, રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચે આ તાલુકા ફિટનેશ સેન્ટરમાં કસરત-વ્યાયામ માટેના અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. આજના આધુનિક અને ભાગદોડ ભર્યાં જીવનમાં લોકો ફિટનેશ પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા હોય છે. ખરેખર તો આપણી ફિટનેશ-આરોગ્ય જ આપણી સંપત્તી છે એટલે જ કહેવાય છે કે, હેલ્થ ઈજ વેલ્થ. આમ, આરોગ્ય જ આપણી સાચી મૂડી છે. ત્યારે લોકો કમસેકમ નિયમિત પણે એકાદ કલાક જેટલો સમય પોતાની ફિટનેશ માટે ફાળવે. એ પણ જ્યારે રાજ્ય સરકારના સહયોગથી માત્ર નજીવા દરે આ સેવા ઉપલબ્ધ કરાવી છે. બીજી તરફ ખાનગી જીમમા માસિક રૂ. 1000 થી 2000 જેટલા રૂપિયા ચૂકવવા પડતા હોય છે. અહીં ટ્રેનર ફેજલ જાડલા છે.