ભારતમાં પણ પ્રિ-મેરેજ એગ્રીમેન્ટ ફરજીયાત કરો
ભારતમાં લગ્ન વિચ્છેદના કેસ સતત વધતા જાય છે અને અદાલતોમાં છૂટાછેડાના કેસનો ઢગલો થયો છે. આ બાબતની ગંભીર નોંધ લઈને દિલ્હીની એક કોર્ટે તાજેતરમાં કહ્યું છે કે, હવે લગ્નોનો કોઈ ભરોસો નથી. તેથી વિદેશની જેમ ભારતમાં પણ પ્રિ-મેરેજ એગ્રીમેન્ટ ફરજિયાત બનાવવાની જરૂર છે જેથી પાછળથી મિલ્કત કે બીજી કોઈ બાબતો વિશે વિવાદ ન થાય. કોર્ટે કહ્યું કે, અત્યારે એવા ઘણા કેસ છે જેમાં પતિ-પત્ની એક સાથે રહેવા નથી માંગતા અને તેમાં સમાધાન પણ થાય તેવી શક્યતા નથી. બંને પક્ષ જ્યારે છૂટાછેડા ઈચ્છતા હોય ત્યારે આવા લગ્નનો અંત લાવવામાં આવે તે જ વધુ યોગ્ય છે. હિંદ મેરેજ એક્ટના સેક્શન 13-બી હેઠળ ફેમિલી કોર્ટે પરસ્પર સહમતિથી નો-ફોલ્ટ ડાઈવોર્સને મંજૂરી આપી હતી જેને સાદી ભાષામાં ’નિર્દોષ છૂટાછેડા’ કહેવાય છે. દિલ્હી કોર્ટે કહ્યું છે કે, ભારતમાં હવે લગ્ન અગાઉ એગ્રીમેન્ટ ફરજિયાત કરવાનો સમય આવી ગયો છે કારણ કે ઘણા લગ્નો નિષ્ફળ જતા હોય છે. આ કેસમાં દંપતીએ ક્રૂરતાના આધારે ડાઈવોર્સની માંગણી કરી હતી. પતિ-પત્ની સાત વર્ષથી અલગ થઈ ગયા હતા, પરંતુ ડાઈવોર્સનો કેસ ચાલતો હતો. કોર્ટે પોતાના ઓર્ડરમાં કહ્યું કે બંને પક્ષ સાથે રહેવા નથી માગતા. ભવિષ્યમાં પણ તેમણે ભેગા નથી રહેવું અને તેમાં કોઈ સમાધાનની શક્યતા નથી. લગ્ન વિચ્છેદ કરવા માટે સહમતી સધાઈ ગઈ છે. આ દંપતીએ માર્ચ 2011માં હિંદુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. વર્ષ 2016માં પતિએ મુંબઈની બાંદ્રા કોર્ટમાં જઈને છૂટાછેડા માટે અરજી કરી. ત્યાર બાદ તેની પત્નીને કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ત્યાર બાદ પત્નીએ પણ ડોમેસ્ટિક વાયોલેન્સની કલમો હેઠળ પતિ સામે કેસ કર્યો. ત્યાર બાદ એક સુધારેલી અરજી કરવામાં આવી અને ક્રુરતાના આધાર પર ડાઈવોર્સ આપવા માટે એક પ્રતિ-અરજી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, જ્યારે કોઈ પતિ કે પત્નીની અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે અને સામેના પાત્રને ગુનેગાર ગણવામાં આવે છે ત્યારે જેની વિરુદ્ધ ચુકાદો આવશે તે વ્યક્તિ ઉપલી કોર્ટમાં જશે. આ રીતે કેસ ચાલતો જ જશે અને માનસિક ત્રાસ વધતો જશે. હિંદુ મેરેજ એક્ટના સેક્શન 13 બી હેઠળ કોઈ દંપતી એક વર્ષ કરતા વધુ સમયથી એકબીજાથી અલગ રહેતા હોય અને તેઓ પોતાના લગ્ન સમાપ્ત કરવા માંગે તો બંને પક્ષની સહમતીથી છૂટાછેડા માન્ય રાખવામાં આવે છે.
- Advertisement -
પ્રિ-મેરેજ એગ્રીમેન્ટ શું હોય છે?
અમેરિકા અને બીજા દેશોમાં જ્યાં લગ્ન બહુ ઓછા ટકે છે ત્યાં લગ્ન પૂર્વે એગ્રીમેન્ટ કરવાની પ્રથા છે. આ એગ્રીમેન્ટના પહેલેથી નક્કી હોય છે કે પતિ-પત્ની પાસે કયા લીગલ અધિકારો છે અને છૂટાછેડા થાય તો સંપત્તિમાં કઈ રીતે ભાગ પડશે. તેમાં પ્રોપર્ટી ઉપરાંત બચતના ભાગ, રિટાયરમેન્ટના લાભમાં વહેંચણી, પત્નીને કેટલું ભરણપોષણ આપવું વગેરે નક્કી હોય છે. તેના કારણે બેમાંથી કોઈ પણ એક પક્ષ એગ્રીમેન્ટનો ભંગ કરે ત્યારે સામેની પાર્ટીને તેનો હિસ્સો મળી જાય છે. ભારતમાં આવા પ્રિ-મેરેજ એગ્રીમેન્ટની મંજૂરી નથી.