ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસું 8 જૂને કેરળના કિનારે પહોંચ્યું હતું, પરંતુ ત્યારથી ચોમાસાની પ્રગતિ નિરાશાજનક રહી છે અને રાજય દુષ્કાળના ભયનો સામનો કરી રહ્યું છે. રાજયમાં 8મી જૂને પ્રથમ વરસાદ પડ્યા બાદ રાજયમાં છેલ્લા અઢી મહિનાથી સંતાકૂકડીનો ખેલ ચાલી રહ્યો છે. અહીં જૂનથી મધ્ય ઓગસ્ટ સુધીમાં મહત્તમ વરસાદ થાય છે, જે 2023માં ઘણો ઓછો રહ્યો છે.
હવામાન વિભાગના આંકડા મુજબ 1 જૂનથી 15 ઓગસ્ટ સુધીમાં રાજયમાં સરેરાશ 1556 મિલીમીટર વરસાદ નોંધાયો છે, પરંતુ આ વર્ષે માત્ર 877.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદમાં 44 ટકાનો ઘટાડો થયો છે. જૂનમાં વરસાદની કમી હતી અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજયમાં 60 ટકાનો ઘટાડો થયો હતો, જયારે જુલાઈમાં વરસાદ સારો હતો અને માત્ર 9 ટકા ઘટાડો હતો. જો કે ઓગસ્ટમાં સ્થિતિ વધુ ખરાબ છે કારણ કે રાજયના ઘણા વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ પડ્યો નથી.
કેરળમાં 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી સામાન્ય 254.6 મિલીમીટરને બદલે માત્ર 25.1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આમ લગભગ 90 ટકા વરસાદની ઉણપ હતી. કેરળમાં વરસાદ સામાન્ય રીતે ઓગસ્ટ દરમિયાન સૌથી વધુ હોય છે જે મલયાલમ મહિનો ‘કાર્કિદકમ’ છે અને આયુર્વેદ સારવાર માટે યોગ્ય છે. જો કે વરસાદના અભાવે રાજયમાં મોટા પાયે દુષ્કાળનો ખતરો છે.
ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે રાજયમાં આગામી 15 દિવસ સુધી વરસાદ નહીં પડે, જેના કારણે દુષ્કાળની શક્યતા વધી ગઈ છે. સપ્ટેમ્બરમાં પણ સ્થિતિ સારી નથી કારણ કે આ મહિનામાં રાજયમાં સામાન્ય રીતે ખૂબ ઓછો વરસાદ પડે છે. જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનાના ચોમાસાના સમયગાળા દરમિયાન અહીં સરેરાશ 2018.7 મિલીમીટર વરસાદ પડે છે, જેમાંથી સપ્ટેમ્બરમાં માત્ર 13 ટકા વરસાદ પડે છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જૂનથી ઓગસ્ટ સુધીના વરસાદની અછત સપ્ટેમ્બરમાં વરસાદથી ભરાય તેવી શક્યતા નથી.
રાજયના ડેમોમાં પાણીનું સ્તર પણ ચિંતાજનક રીતે નીચા સ્તરે છે અને કેરળ રાજય વિદ્યુત બોર્ડ દ્વારા સંચાલિત જળાશયો સંગ્રહ ક્ષમતાના માત્ર 37 ટકા ધરાવે છે. ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજય પાણીની અછત અને વીજ કાપની શક્યતાઓ પર ધ્યાન આપી રહ્યું છે. બહારનાસ્ત્રોતોમાંથી ઊંચા ભાવે વીજળી ખરીદવાની યોજના છે. ઈંખઉ અનુસાર 1901થી રાજયમાં માત્ર 14 વખત ઓછો વરસાદ થયો છે અને છેલ્લે આવું 2016માં બન્યું હતું.