વેક્સિનેશન અંતર્ગત કરાયેેલા આયોજન મુજબ

કોરોનાની વેક્સિનેશનની કામગીરીને લઇને હાલમાં ડોર ટુ ડોર સરવે કરીને 50 વર્ષથી મોટી ઉંમરની અને બિમારીવાળી વ્યક્તિઓના નામની નોંધણી કરવામાં આવી રહી છે. જોકે 30 ટકા લોકો માહિતી આપતા નહી હોવાથી હજુ સુધી કામગીરી 60થી 70 ટકા જ પૂર્ણ થઇ છે. કોરોનાની વેક્સિન આપવાની કામગીરી આગામી જાન્યુઆરી માસથી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે પ્રથમ તબક્કે તબિબો અને પેરામેડિકલ સ્ટાફને વેક્સિન આપવાની હોવાથી તેની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારબાદ ફ્રન્ટ લાઇન વોરિયર્સ પોલીસ, શિક્ષક સહિતને આપવાની છે.

જ્યારે ત્રીજા તબક્કામાં 50 વર્ષથી મોટી ઉંમરની અને બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, એચઆઇવી, ટીબી સહિતની બિમારી ધરાવતી વ્યક્તિઓને આપવાની છે. આથી 50 વર્ષથી મોટી ઉંમરની અને ઉપરોક્ત બિમારીવાળી વ્યક્તિઓના નામની નોંધણીની કામગીરી હાલમાં ચાલી રહી છે. ડોર ટુ ડોર સરવે કરીને ફોર્મ ભરવાની કામગીરી ગત તારીખ 10મી, ગુરૂવારથી શરૂ કરાઇ હતી. જેને તારીખ 13મી, રવિવાર સુધીમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ લોકો સહયોગ આપતા નહી હોવાથી કામગીરી હજુ પૂર્ણ થઇ નથી. જોકે હજુ 60થી 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું છે.

કોરોનાની વેક્સિન આપવા માટે ડોર ટુ ડોર સર્વેમાં લોકો સહયોગ આપતા નહી હોવાનું સર્વે કરતા કર્મચારીઓએ જણાવ્યું છે. 30થી 40 ટકા લોકો માહિતી આપતા નથી. ઉપરાંત વેક્સિનથી કોઇ આડઅસર થશે તો કોણ જવાબદાર રહેશે. વેક્સિન લીધા પછી કોઇ બિમારી થશે. તો તેની જવાબદારી કોની જેવા પ્રશ્નો લોકો પુછી રહ્યા હોવાનું કામગીરી કરતા કર્મચારીઓએ જણાવ્યું છે. જોકે અમુક વ્યક્તિઓ નામ લખાવે છે પરંતુ ઇલેક્શન કાર્ડના નંબર કે મોબાઇલ લખાવતા નથી સહિતની મુશ્કેલીઓ આવતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.