જિલ્લા ભાજપના આગેવાનોએ મનપાના કમિશનરને આવેદનપત્ર આપી તાત્કાલિક વેરા પાછા ખેંચવાની માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકો પર વિવિધ પ્રકારના વેરા લાગુ કરવામાં આવ્યાં બાદ પોરબંદર શહેરમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના સામાજિક સંગઠનો, વ્યાપારીઓ તેમજ નગરજનો તરફથી સતત આવતી રજૂઆતોને આધારે આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા સહિતના અગ્રણીઓએ મહાનગરપાલિકા વહીવટદારોને આવેદનપત્ર આપીને તાત્કાલિક અસરથી વેરા પાછા ખેંચવાની માંગ ઉઠાવી છે. અધિકૃત આવેદનપત્રમાં જણાવાયું છે કે મહાનગરપાલિકા દ્વારા આંબેલા હાઉસટેક્ષ, પ્રોપર્ટી ટ્રાન્સફર ટેક્ષ, વાહનો પરના ટેક્ષ, ખાસ સફાઈ વેરો, ગટર વેરો, સ્ટ્રીટલાઈટ વેરા સહિત અનેક પ્રકારના વેરાઓ સામાન્ય જનતાને અત્યંત ભારે લાગી રહ્યા છે. ખાસ કરીને મિલકત ટ્રાન્સફર ટેક્ષમાં થયેલો વધુો વધારો નાગરિકોની હદથી બહારનો જણાઈ રહ્યો છે. આવેદનમાં વધુમાં જણાવાયું છે કે હાલ પોરબંદર શહેર બાંધકામ ઉદ્યોગની મંદી, વેપારમાં ઘસારો અને નાગરિકોની નબળી આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આ પ્રકારના નવા વેરા અને વર્ધિત દરો નાગરિકો માટે અસહ્ય બની રહ્યા છે. ઉપરાંત શહેરમાં નવી ખરીદાયેલ વાહનો પર ટેક્ષ લગાડવાનો સૂચન આપીને હાલમાં તમામ વાહનો પર લાગેલા ટેક્ષ પર પણ પુનર્વિચારની માંગણી રજુ કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપતી વખતે ડો. ચેતનાબેન તિવારી (જિલ્લા પ્રમુખ), મહામંત્રી અશોકભાઈ મોઢા તથા ભાજપ અગ્રણી રામદેભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.