જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મનપા કમિશ્નર ડો.ઓમ પ્રકાશની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્ર્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
આ બેઠકમાં વંચિતોને સહાય સમયસર મળી જાય, જન્મ મરણ નોંધણી, વિવિધ જાહેર સ્થળોએ બ્યુટીફીકેશન કરાવવા, જમીન માપણી, જાહેર રસ્તા પહોળા કરાવવા, દબાણ હટાવ કામગીરી, ખેડૂતોને માવઠાંનું વળતર મળે, નવા પશુ દવાખાના ખોલવા, સસ્તા અનાજની નવી દુકાનો ખોલવી, ઘઉં સહિત અન્ય ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી, સરકારી કચેરીઓના સમારકામ, સરકારી ક્વાર્ટરના રીનોવેશન વગેરે પ્રજાલક્ષી પ્રશ્ર્નો મુદ્દાઓ ઉપર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રશ્ર્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ભગવાનજીભાઈ કરગઠીયા તરફથી રજૂ થયેલા પ્રશ્ર્નોની સમીક્ષા કરતા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરીને સુનિશ્ચિત સમય મર્યાદામાં પ્રશ્ર્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતા. તેમજ મનપા કમિશનરે બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમુક સરકારી કચેરીઓ દ્વારા વીજળી, પાણીના બિલ સમયસર ભરપાઈ કરવામાં આવ્યા નથી. જેનાથી કચેરી કામગીરીમાં માઠી અસર થાય છે અને લોકોના કામ પણ અટકી ગયા છે. આગામી તા.31 માર્ચ સુધીમાં જે જે કચેરીઓના પ્રોપર્ટી ટેક્સ અને અન્ય જે જે વેરા ભરવાના બાકી છે તેનો સમયગાળો આપવામાં આવે છે. ત્યારબાદ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તે કચેરીઓને સીલ કરી દેવા સહિતના તાકીદ કરવામાં આવશે. આ ઉપરાંત જયારે જયારે અરજદારો કે લોક પ્રતિનિધિઓ માહિતીની માંગણી કરે, સહાય માટે રજુઆત આવે ત્યારે સમયસર જે તે કચેરીઓ તેમને જવાબ આપે તેમ પણ જણાવ્યું હતું.