રોહિંગ્યાઓના નરસંહારનો આરોપ, વોરંટ જારી કરવા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં અપીલ
ખાસ-ખબર ન્યૂઝ યાંગોન, તા.28
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ચીફ પ્રોસિક્યુટર કરીમ ખાને મ્યાનમારના સૈન્ય નેતા મીન આંગ હલાઈંગ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાની અપીલ કરી છે. મીન આંગ પર લઘુમતી રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ હિંસા, અત્યાચાર અને માનવતા વિરુદ્ધ અપરાધોનો આરોપ છે. જેના કારણે લાખો રોહિંગ્યાઓને બાંગ્લાદેશ ભાગી જવાની ફરજ પડી હતી. કરીમ ખાને રોહિંગ્યા સામેની હિંસાને વંશીય સફાઇ તરીકે દર્શાવી હતી. જેમાં સામૂહિક હત્યા, બળાત્કાર અને વસાહતોના વિનાશનો સમાવેશ થાય છે. તેણે ટૂંક સમયમાં મ્યાનમારના અન્ય નેતાઓ સામે પણ ધરપકડ વોરંટ માટે અપીલ કરવાની જાહેરાત કરી. 2021માં આંગ સાન સુ કીને હટાવીને મ્યાનમારમાં મિન આંગ હલાઈંગે સત્તા કબજે કરી હતી.
- Advertisement -
રોહિંગ્યા મુસ્લિમો મુખ્યત્વે મ્યાનમારના અરાકાન પ્રાંતમાં રહેતી લઘુમતી છે. તેઓ સદીઓ પહેલા અરાકાનના મુઘલ શાસકો દ્વારા અહીં સ્થાયી થયા હતા. વર્ષ 1785 માં, બર્મીઝ બૌદ્ધોએ દેશના દક્ષિણ ભાગ અરાકાન પર કબજો કર્યો. તેઓએ હજારો લોકોની હત્યા કરીને રોહિંગ્યા મુસ્લિમોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી બૌદ્ધ ધર્મના લોકો અને રોહિંગ્યા મુસ્લિમો વચ્ચે હિંસા અને નરસંહારનો કાળ શરૂ થયો, જે અત્યાર સુધી ચાલુ છે.
મ્યાનમારમાં લગભગ 10 લાખ રોહિંગ્યા મુસ્લિમો રહે છે, પરંતુ મ્યાનમાર સરકાર આ લોકોને પોતાના નાગરિક માનતી નથી. વર્ષ 2012માં મ્યાનમારના એક મંત્રીએ પણ આની જાહેરાત કરી હતી. આ રીતે આ લોકોનો કોઈ દેશ નથી. તેઓ શરૂઆતથી જ ભારે દમનનો સામનો કરી રહ્યા છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં રમખાણો થઈ રહ્યા છે, જેમાં રોહિંગ્યા મુસ્લિમોને સૌથી વધુ જાન-માલનું નુકસાન સહન કરવું પડ્યું હતું. આ કારણે તેઓ બાંગ્લાદેશ અને થાઈલેન્ડની બોર્ડર પર સ્થિત રેફ્યુજી કેમ્પમાં રહી રહ્યા છે, જ્યાં તેમની હાલત ખૂબ જ ખરાબ છે.