ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરની વીર ભનુની ખાંભીથી નિરમા ફેક્ટરી સુધીના રોડ પર મોતના ખુલ્લા ખાડા બંધ કરવાની માંગણી સાથે કોંગ્રેસ આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદરમાં વીર ભનુની ખાંભીથી નિરમા ફેક્ટરીના મુખ્ય દરવાજા સુધીના રસ્તા પર બન્ને બાજુ ચાર ફુટ ઊંડી ગટરના મોતના કુવા જેવા ઊંડા ખાડા ખુલ્લા છે અને તેમાં અનેક વાહનો ખાબકી રહ્યા છે, કોઈએ ગટરના ઢાંકણ કાઢી લીધા છે અને તેના લોખંડના સળિયા બહાર ડોકાઈ રહ્યા છે, તો અમુક જગ્યાએ ત્રણ ફુટ પહોળા અને ચાર ફુટ ઊંડા ગટરના ખાડા ખુલ્લા હોવાથી ખુબ જ જોખમી બની ગયા છે. આ રસ્તા ઉપર વહેલી સવારે ફેક્ટરીએ કામ કરવા જતા શ્રમિકોના વાહનો પણ અંધારાના કારણે ગટરમાં ખાબકે છે, આ રોડ ઉપર સ્ટ્રીટલાઈટની પણ સુવિધા નહી હોવાને કારણે રાત્રે અંધારામાં અનેક સાઈકલચાલકો ગટરના ખુલ્લા ખાડામાં પડી ગયાના બનાવો નોંધાઈ ચુક્યા છે, તેથી તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈને ગટરના ખુલ્લા ખાડાને બુરી દેવા જોઈએ અને તેના સ્લેબનું પણ વ્યવસ્થિત સમારકામ કરાવવું જોઈએ તેવી માંગ કરી છે.