ગિરનાર પર્વત પર 60થી 70 કિમિ પવન ફૂંકાતા રોપ-વે બંધ
કેરી ખરી પડવાની સાથે ઝાડ સાથે અથડાવાથી પાકને નુકસાન
પવનની ગતિ વધતા 41 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં છેલ્લા એક અઠવાડીયાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કયારેક 40 ડિગ્રી તાપમાન તો ક્યારેક 42 ડિગ્રી પારો ઊંચો જતા લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. તેની સાથે પવનની ગતિ પણ સામાન્ય કરતા વધારે જોવા મળી રહી છે. આજે પ્રતિ કલાક 8 થી 9 કિમિની ઝડપે પવન ફુંકાયો હતો તેની સાથે દરિયા કિનારા નજીકના તાલુકામાં પવન તેજ ગતિ જોવા મળી હતી. જયારે ગિરનાર પર્વત પર 60 થી 70 કિમિની ઝડપે પવન ફુંકાતા આજે રોપ-વે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. અને ઓનલાઇન બુકીંગ કરનાર યાત્રિકોને રિફંડ આપવું પડ્યું હતું જેમાં અશક્ત યાત્રિકોએ રોપ-વે ની સફર વગર પરત ફરવું પડ્યું હતું. જયારે અનેક યાત્રિકોએ ગિરનાર સીડી ચડીને યાત્રા કરવી પડી હતી. સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.અને પવન ની તેજ ગતિના લીધે ગરમીનો પારો પણ 41 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું હતું. જયારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઉનાળામાં હવામાનમાં પલટો આવ્યા કરે છે. જયારે દરિયા કિનારા પાસેના તાલુકામાં પવનની ગતિ વધતા તાલાલા, માંગરોળ, વેરાવળ, સુત્રાપાડા અને ઉના સહીત તાલુકામાં કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોના મતે સામાન્ય કરતા પવનની ગતિ વધી છે જેના કારણે આંબામાં તૈયાર થયેલ કેરી ખરી પડવાની સાથે ઝાડ સાથે અથડાવવાથી કેરીના પાકને નુકશાન થાય છે. જેની અસર ઉત્પાદન પર પડે છે. અને ખેડૂતોને પણ નુકશાની થાય છે. તેમ ખેડૂતનું કહેવું છે. એક તરફ આ વર્ષે કેસર કેરીનું પહેલાથીજ ઉત્પાદન ઓછું છે.અને વાતાવરણમાં આવતા પલટાને લીધે ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢ સહિત સોરઠના તાપમાનમાં ઘટાડો થતાં 41.5 ડિગ્રીમાંથી 39.2 આવી જતા ગરમીમાં રાહત રહી હતી. રવિવારે એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો સડસડાટ 4 ડિગ્રી ઉપર ચડીને 41.5 ડિગ્રીએ આવી ગયો હતો જેના પરિણામે ફરી આકરી ગરમીનું મોજુ ફરી વળ્યું હતું. જોકે રાત્રિનું તાપમાન 26.2 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. પરંતુ 24 કલાકમાં સોમવારની સવારે લઘુતમ તાપમાન 1.7 ડિગ્રી નીચે આવીને 22.1 ડિગ્રી નોંધાયું હતું. તેના પરિણામે સવારના વાતાવરણમાં એકંદરે ઠંડક રહી હતી. પરંતુ વાતાવરણમાં ભેજ ઘટીને 66 ટકા થઈ જતા બફારો વધ્યો હતો. લોકોએ એસી, પંખા, કુલરનો વપરાશ વધાર્યો હતો. સાથો સાથ બહાર નિકળતા સમયે ચશ્મા, ટોપી, માસ્કનો સહારો લીધો હતો. બીજી તરફ બપોરના સમયે મહત્તમ તાપમાન 41.5 ડિગ્રીમાંથી 2.3 ડિગ્રી ઘટી 39.2 ડિગ્રી નોંધાતા ગરમીથી લોકોને રાહત મળી હતી. આ સાથે વાતાવરણમાં ભેજ 19 ટકા રહ્યો હતો. જોકે 15 એપ્રિલથી મહત્તમ તાપમાન વધીને 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે. આમ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગરમીના પ્રમાણમાં સતત ચડઉતર જોવા મળી રહી છે.
છેલ્લા એક માસમાં ગિરનાર પર ભારે પવનના લીધે રોપ-વે અનેકવાર બંધ
જૂનાગઢ ગિરનાર પર્વત પર છેલ્લા એક માસમાં અનેક વાર ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવાની ફરજ પડી હતી આજે પણ ગિરનાર ઉપર 60 થી 70 કિમિ ઝડપે પવન ફૂંકતા રોપ-વે બંધ કરાયો હતો આમ છેલ્લા ઘણા સમયથી પવન ગતિમાં વધારો ઘટાડો જોવા મળે છે અને જયારે પવનની ગતિ તીવ્ર થાય છે ત્યારે રોપ-વે બંધ કરવો પડે છે જેના કારણે અગાઉ જે પ્રવસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવેલ હોય તેવા પ્રવાસીઓને રિફંડ આપવું પડે છે. અને દૂર દૂરથી આવતા પ્રવાસીઓ ગિરનાર રોપ-વેની સફર વગર પરત ફરવું પડે છે. જયારે અમુક યાત્રિકોએ ગિરનાર સીડી ચડીને ગિરનાર યાત્રા કરવી પડે છે.