ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ ગુજરાત રાજ્ય 1600 કિમિનો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જ્યાં અમીબા જેવા સૂક્ષ્મ સજીવોથી લઇ વ્હેલ શાર્ક જેવા વિશાળ જીવો જોવા મળે છે.તાજેતરમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રાણીશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક ડો.પરેશ પોરિયાના માર્ગદર્શન નીચે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં રજિસ્ટર્ડ થયેલ વિદ્યાર્થિની ઝલક સબાપરા દ્વારા સ્પોંજ (વાદળી) નામના દરિયાઈ પ્રાણીની વૈવિધ્યતા ઉપર સંશોધન કાર્ય હાથ ધરાયેલ. જેમાં કુલ 51 જેટલી પ્રજાતિઓની નોંધ લેવાય છે જેમાંથી 24 જેટલી પ્રજાતિઓ ગુજરાતના દરિયા કિનારેથી પ્રથમ વાર નોંધાયેલ છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયા કિનારેથી પહેલા માત્ર 1905-06, 1916 અને છેલ્લે 1976 માં જ વિસ્તૃત અભ્યાસ થયેલ છે. જીસૃષ્ટિમાં સૌ પ્રથમ બહુકોશિય પ્રાણીઓનું સ્થાન ધરાવતા આ પ્રાણીઓ દરિયાઇ ઇકોસિસ્ટમ માં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. આ સંશોધન દ્વારા થયેલ સ્થાનિક જૈવ વિવિધતા નું દસ્તાવેજીકરણ એ જૈવ સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ છે. આ તકે કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડો. આર.પી.ભટ્ટ દ્વારા કોલેજના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.